Hot Air Balloon : મેક્સિકોના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંના એક પર એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં હોટ એર બલૂન જ્યારે અનેક ફૂટ ઉંચે હવામાં હતું ત્યારે જ તેમાં આગ લાગી હતી. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે બલૂન હવામાં હતું ત્યારે લોકો ઉભા રહેવા માટે બનાવેલી ટોપલીમાં આગ લાગી હતી. બચવા માટે લોકોએ અનેક ફૂટ ઉંચેથી જીવ બચાવવા છલાંગ લગાવી હતી પરંતુ નીચે પટકાતા મોતને ભેટ્યાં હતાં.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જેમ જેમ આગ વધતી ગઈ તેમ તેમ બલૂન આકાશમાં ઉંચે ઉડવા લાગ્યું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને એક બાળકી ઘાયલ થઈ છે.
સળગતી જ્વાળાઓમાંથી બચવા મુસાફરો પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો. અહીં આગળ કૂવો અને પાછળ ખાડો જેવી સ્થિતિ સર્જાઈ હતી. આમ આ મુસાફરો પાસે મોત જ એકમાત્ર વિકલ્પ હતો. જો લોકો બલૂનની ટ્રોલીમાં રહ્યાં હોત તો તે આગમાં બળને ભડથું થઈ ગયા હોત અને જો તે નીચે કૂદે તો આટલે ઉંચેથી જમીન પર પટકાવવાથી મોત નિપજે. હોટ એર બલૂન અનેક ફૂટ ઊંચાઈ પર જઈને ધરતી પરનો સુંદર નજારો જોવા માટે હોય છે, પરંતુ મેક્સિકોમાં તે જીવલેણ સાબિત થતું. આગ લાગતા જ કેટલાય લોકો નીચે કૂદી પડ્યા હતા, જેના કારણે બે લોકોના મોત થયા હતા.
બે લોકો મૃત્યુ પામ્યા
આ હૃદયદ્રાવક ઘટના મેક્સિકોના લોકપ્રિય પ્રવાસી અને પુરાતત્વીય સ્થળ ટિયોતિહુઆકાનમાં બની હતી. તે એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે અને દરરોજ ઘણા ગરમ હવાના ફુગ્ગા આકાશમાં ઊંચે ઉડે છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં એક 39 વર્ષની મહિલા અને 50 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક સરકારે જણાવ્યું હતું કે, બલૂનમાં આગ લાગ્યા બાદ બે મુસાફરોએ તેમાંથી કૂદકો માર્યો હતો. આ લોકોની ઓળખ હજુ સુધી શેર કરવામાં આવી નથી.
અકસ્માતમાં બાળકી દાઝી ગઈ
આ બલૂનમાં અન્ય લોકો હતા કે ઘાયલો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. અકસ્માતમાં 13 વર્ષની બાળકી બચી ગઈ હતી, પરંતુ તેનું શરીર અને ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો. ટિયોતિહુઆકનનું પુરાતત્વીય સ્થળ તેના પ્રભાવશાળી સ્થાપત્ય માટે જાણીતું છે. તેમાં સૂર્યનો પિરામિડ, ચંદ્રનો પિરામિડ અને પીંછાવાળા સર્પનું મંદિર શામેલ છે. આ સ્મારકો મોટાભાગે પથ્થરના બનેલા છે.