મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠે 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. આ પ્રચંડ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મેક્સીકન શહેર પ્યુર્ટો માદેરો નજીક હતું. તેની ઊંડાઈ જમીનની સપાટીથી માત્ર 10 કિલોમીટર નીચે હતી.
સુનામી ચેતવણી જારી
ભૂકંપ બાદ, યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ આ પ્રદેશ માટે સુનામી ચેતવણી જારી કરી. રોઇટર્સે એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને જણાવ્યું હતું કે ભૂકંપથી ગ્વાટેમાલા સિટીમાં ઇમારતો હચમચી ગઈ હતી. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ રોઇટર્સને જણાવ્યું હતું કે ભૂકંપ અલ સાલ્વાડોરમાં પણ અનુભવાયો હતો. સુનામીનો ખતરો વધતા લાખો લોકો માટે એલર્ટ જાહેર કરાયું છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ભૂકંપ 'પેસિફિક રિંગ ઓફ ફાયર' વિસ્તારમાં આવ્યો છે.
ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ કહ્યું કે ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી અને અમે મિનિટે મિનિટે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ." તેમણે લોકોને શાંત રહેવા અને આવી પરિસ્થિતિઓમાં જારી કરાયેલી સલાહનું પાલન કરવાની અપીલ કરી.
મેક્સિકોના ઓક્સાકા રાજ્યના ગવર્નરે શું કહ્યું?
દક્ષિણ મેક્સીકન રાજ્ય ઓક્સાકાના ગવર્નરએ જણાવ્યું હતું કે રાજ્યની રાજધાનીમાં "મધ્યમ તીવ્રતા" સાથે ભૂકંપ અનુભવાયો હતો. સલોમોન જારાએ સોશિયલ મીડિયા પર અહેવાલ આપ્યો હતો કે અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.
ગ્વાટેમાલામાં સાવચેતી રૂપે લોકોને બહાર કાઢવામાં આવ્યા
ભૂકંપ બાદ, ગ્વાટેમાલાની રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ એજન્સી (CONRED) એ સાવચેતીનાં પગલાં લીધાં અને લોકોને સલામત સ્થળે ખસેડ્યા. એજન્સી દ્વારા ઓનલાઈન શેર કરાયેલા ફોટામાં આ બતાવવામાં આવ્યું છે. CONRED એ લોકોને શાંત રહેવા, અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અને ફક્ત સત્તાવાર સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત માહિતી પર આધાર રાખવા અપીલ કરી.
