Military Coup In Gabon: નાઈજર બાદ વધુ એક આફ્રિકન દેશ ગેબોનમાં પણ લશ્કરી બળવો થયો છે. બળવાની જાહેરાત કરતી વખતે ગેબોનના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે  2009 થી સત્તામાં રહેલા રાષ્ટ્રપતિ અલી બોંગો ઓન્ડિમ્બાને પણ નજરકેદમાં રાખ્યા છે. રોયટર્સના અહેવાલ મુજબ સેનાના અધિકારીઓએ એક ટીવી ચેનલના માધ્યમથી બળવા અંગે માહિતી આપી હતી.






મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  64 વર્ષીય રાષ્ટ્રપતિ અલી બોંગો ઓન્ડિમ્બાને બળવા પછી નજરકેદ કરવામાં આવ્યા છે. સાથે જ તેમના એક પુત્રની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે બોંગો પરિવાર 55 વર્ષથી વધુ સમયથી ગેબોન પર શાસન કરી રહ્યું છે. અહેવાલ મુજબ, લશ્કરી કાર્યવાહી બાદ રાજધાની લિબ્રેવિલેમાં શેરીઓમાં ઉજવણી કરવામાં આવી હતી.


તમામ સંસ્થાઓ કરાઇ ભંગ 


અહેવાલ મુજબ, તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓન્ડિમ્બાની જીતની જાહેરાત પછી તરત જ રાજધાનીમાં હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા. આ હિંસક પ્રદર્શનોની વચ્ચે સૈનિકોએ સરકારી ટેલિવિઝન પર સત્તા પોતાના હાથમાં લેવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં સૈનિકોએ રાષ્ટ્રગીત ગાવાનું પણ શરૂ કરી દીધું હતું. રાષ્ટ્રીય ટેલિવિઝન પર બળવાની જાહેરાત કર્યા પછી એક લશ્કરી અધિકારીએ જાહેરાત કરી કે તમામ સરકારી સંસ્થાઓને ભંગ કરી દેવામાં આવી છે. ચૂંટણી પરિણામો રદ કરવામાં આવ્યા છે અને સરહદો બંધ કરી દેવામાં આવી છે.


સેનાએ ટીવી પર બળવાની જાહેરાત કરી


પોતાના સંબોધનમાં સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે આજે દેશ ગંભીર રાજકીય, આર્થિક અને સામાજિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, જ્યારે આર્મી ઓફિસર ટીવી પર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક ડઝન આર્મી કર્નલ, રિપબ્લિકન ગાર્ડના સભ્યો, નિયમિત સૈનિકો અને અન્ય લોકો હાજર હતા.


ચૂંટણીની પારદર્શિતા પર સવાલ ઉઠ્યા


બળવા દરમિયાન સૈન્ય અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે દેશમાં યોજાયેલી ચૂંટણીઓ પારદર્શિતાની શરતોને પૂર્ણ કરતી નથી જેની ગેબોનના લોકોને ઘણી આશા હતી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ અલી બોંગોને 2009 માં તેમના પિતા ઓમર પાસેથી સત્તા વારસામાં મળી હતી. તેઓ સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા.