Mississippi US Hijacked Plane Landed Safely: અમેરિકાના મિસિસિપી રાજ્યમાં પ્લેનના પાઇલટે પ્લેનને ક્રેશ કરવાની ધમકી આપતાં હોબાળો મચી ગયો હતો. કેટલાક કલાકોની અરાજકતા બાદ હવે ગવર્નર ટેટ રીવ્સે રાહતના સમાચાર આપતા કહ્યું હતું કે પ્લેન એશલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં એક મેદાનમાં સુરક્ષિત લેન્ડ કરી લીધું છે અને પ્લેન સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે પાઇલટે 9 સીટર પ્લેનને હાઈજેક કરીને ટુપેલો એરપોર્ટ પરથી ટેકઓફ કર્યું હતું. આ પછી ઘણા કલાકો સુધી તે શહેરની ઉપર જ પ્લેન ઉડાવતો રહ્યો હતો.






પાઇલટે ઇરાદાપૂર્વક મિસિસિપીના ટુપેલોમાં સ્થાનિક વોલમાર્ટમાંથી પ્લેનને ક્રેશ કરવાની ધમકી આપી હતી. પાઇલટની ધમકી બાદ પ્રશાસને લોકોને એલર્ટ કરી દીધા હતા. પોલીસે જોખમની શક્યતાને ધ્યાનમાં રાખીને વોલમાર્ટ સ્ટોરને ખાલી કરાવ્યો હતો. આ ઘટના સવારે પાંચ વાગ્યે બની હતી.


પોલીસે પાયલટની અટકાયત કરી હતી


પાઇલટની આ ધમકી બાદ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓના ઘણા પ્રયત્નો બાદ કોઈક રીતે પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે. પોલીસે પ્લેનના પાઇલટને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની પૂછપરછ ચાલુ છે.


પાઇલટની ધમકી બાદ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો


પાઇલટે પ્લેન ક્રેશ કરવાની ધમકી આપ્યા બાદ અધિકારીઓ સક્રીય થઇ ગયા હતા. અધિકારીઓએ પણ વિસ્તાર ખાલી કરાવવાનું શરૂ કરી દીધું હતું. નાગરિકોને ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા આગામી આદેશો સુધી તેમને આ વિસ્તારથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ટુપેલો પોલીસ અધિકારીઓ પ્લેનના પાઇલટના સતત સંપર્કમાં હતા.


અધિકારીઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરતા રહ્યા કે પાઇલટ કોઈપણ રીતે તેમના આદેશનું પાલન કરે અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરે. છેવટે, અધિકારીઓની મહેનત રંગ લાવી અને તેઓ પાઇલટને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં સફળ રહ્યા હતા.