બિઆરિત્જઃ ફ્રાન્સ આયોજીત જી-7 સમિટ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ વાત કરી હતી કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્ધિપક્ષીય મુદ્દો છે અને અન્ય કોઇ દેશને તેમાં દખલ કરવાની કોઇ જરૂર નથી. ટ્રમ્પે પણ તેમની વાતને સમર્થન આપતા કહ્યું કે, વડાપ્રધાન મોદી પર તેમને પુરો વિશ્વાસ છે. નોંધનીય છે કે ટ્રમ્પ અનેકવાર કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી ચૂક્યા છે.


વડાપ્રધાને કહ્યુ કે, ભારત અને અમેરિકા બંન્ને લોકતાંત્રિક મૂલ્યોને લઇને ચાલનાર દેશ છે અને કોઇ સંજોગોમાં સાથે મળીને શું યોગદાન આપી શકે છે તેના પર ચર્ચા ચાલતી રહી છે કાશ્મીર મુદ્દે પૂછાયેલા સવાલોના જવાબમાં વડાપ્રધાને કહ્યુ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક દ્ધિપક્ષીય મુદ્દા છે. પાકિસ્તાનમાં ચૂંટણી બાદ પાકિસ્તાની વડાપ્રધાન સાથે મેં ફોન પર વાત કરી અને કહ્યુ હતું કે પાકિસ્તાનને બીમારી, ગરીબી અને અશિક્ષણ વિરુદ્ધ લડવાનું છે. બંન્ને સાથે મળીને તેના વિરુદ્ધ લડશે. બંન્ને દેશોના લોકોના ભલા માટે કામ કરશે.


ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે, અમે કાશ્મીર મુદ્દા પર વાત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે તમામ બાબતો પુરી રીતે નિયંત્રણમાં છે. મને આશા છે કે તે કાંઇક સારુ કરવામાં સફળ રહેશે. વડાપ્રધાન મોદી સાથે ગઇ રાત્રીએ અમે કાશ્મીર પર ચર્ચા કરી હતી. મને આશા છે કે ભારત અને પાકિસ્તાન સાથે મળીને સમસ્યાઓને ઉકેલી લેશે.


તાજેતરમાં જ ટ્રમ્પ બે વખત કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતા કરવાની વાત કરી ચૂક્યા છે. પરંતુ ભારતે આ પ્રકારના કોઇ પણ પગલાનો વિરોધ કરતા તેને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો બતાવ્યો હતો.