અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ આખરે તાલિબાને પોતાની નવી સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાને આપેલી માહિતી પ્રમાણે મુલ્લા હસન અખુંદને દેશના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. તો મુલ્લા બરાદરને ડેપ્યુટી પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહીદે નવી સરકારની જાહેરાત કરી છે. 



મુલ્લા હસન તાલિબાનની શરૂઆતના સ્થળા કંદહારથી સંબંધ ધરાવે  છે અને સશસ્ત્ર ચળવળના સ્થાપકોમાંના એક છે. તેમણે  'રહબારી શૂરા'ના વડા તરીકે 20 વર્ષ સેવા આપી હતી અને મુલ્લા હેબતુલ્લાની નજીક માનવામાં આવે છે. તેમણે 1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં અગાઉની તાલિબાન સરકાર દરમિયાન વિદેશ મંત્રી અને નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.



તાલિબાનના સ્થાપક મુલ્લા મોહમ્મદ ઓમરના પુત્ર મુલ્લા યાકુબ નવા સંરક્ષણ મંત્રી બનશે. યાકુબ મુલ્લા હેબતુલ્લાનો વિદ્યાર્થી હતો, જેણે અગાઉ તેને તાલિબાનના શક્તિશાળી લશ્કરી કમિશનના વડા તરીકે નિયુક્ત કર્યો હતો.


તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદ આ અંગેની જાણકારી આપી. તાલિબાને જણાવ્યું કે હાલ એક કેરટેકર કેબિનેટ સરકારની જવાબદારી સંભાળશે. મૌલવી મોહમ્મદ યાકૂબ મુઝાહિદ અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી હશે. તો સિરાઝુદ્દીન હક્કાનીને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.