વિશ્વમાં સૌથી વધારે અમેરિકામાં જ 175067 લોકો કોરોનાથી સંક્રમિત થયેલા છે. ચીનના વુહાનથી ડિસેમ્બર 2019થી આ મહામારી ફેલાવાની શરૂઆત થઈ હતી, જેની ઝપેટમાં અત્યાર સુધીમાં 180થી વધારે દેશો આવી ગયા છે.
અમેરિકામાં કોરોનાની સૌથી વધુ અસર ગુજરાતીઓની મોટી સંખ્યા છે તેવા ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જોવા મળી રહી છે. ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું, હાલનો સમય યુદ્ધ જેવા વાતાવરણ સામે લડવાનો છે અને તેમાં આપણે બધાએ એક રહેવાનું છે. ન્યૂયોર્કમાં આવેલી હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધારે કોરોના વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે, જેને લઈ તંત્ર દ્વારા હેલ્થકેર વર્કર્સને સ્વેચ્છાએ આગળ આવવા અપીલ કરી છે.
જોન હોપકિન્સ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી અત્યાર સુધી ઈટાલીમાં સૌથી વધુ મોત થયા છે. અહીં મૃતકોનો આંકડો 12,000ને વટાવી ગયો છે. જ્યારે 1,05,792 લોકો સંક્રમિત છે. કોરોનાથી ઈટાલી બાદ સ્પેનમાં સૌથી વધારે લોકોના મોત થયા છે. અહીંયા કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા આશરે 94,417 છે.
વિશ્વભરમાં આશરે 8,28,00 લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 41,261 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 1613 મામલા સામે આવ્યા છે. જેમાંથી 35 લોકોના મોત થયા છે.