Morocco earthquake: આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં 1 હજારથી વધુ લોકોના મોત થયા છે. લોકો ચીસો પાડીને જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. ધરતીકંપને કારણે, ઐતિહાસિક શહેર મરાકેશથી લઈને એટલાસ પર્વત પર સ્થિત ગામો સુધી, ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ અથવા નુકસાન થયું. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે કારણ કે બચાવ કામગીરીમાં સામેલ ટીમો દૂરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં સંઘર્ષ કરી રહી છે. ભૂકંપ આવતાની સાથે જ ઘરોમાં સૂતેલા લોકો બહાર દોડવા લાગ્યા હતા. ભૂકંપ બાદ મોરોક્કોથી જે તસવીરો આવી રહી છે તે ચોંકાવનારી છે. લોકો ભૂકંપથી એટલા ડરી ગયા છે કે આજે પણ તેઓ પોતાના ઘરે જઈને સૂતા ડરે છે. અહીં સર્વત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં રોડ રસ્તાઓને ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે.


યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, શુક્રવારે રાત્રે 11:11 કલાકે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા કેટલીક સેકન્ડો સુધી અનુભવાયા હતા. 19 મિનિટ બાદ 4.9ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી લગભગ 70 કિલોમીટર દક્ષિણમાં અલ હૌઝ પ્રાંતના ઇગિલ શહેરમાં હતું. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 18 કિલોમીટરની ઊંડાઈએ હતું.


 






મોરોક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે 1,037 લોકોનાં મોત નીપજ્યાં છે અને તેમાંથી મોટાભાગના મરાકેશ અને કેન્દ્રની નજીકના પાંચ પ્રાંતના છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1200 થી વધુ ઘાયલ છે. મોટી સંખ્યામાં લોકોની હાલત ગંભીર છે. બચાવ ટુકડીઓ રાહત કાર્યમાં લાગેલી છે. મોરોક્કન મીડિયા અનુસાર, 12મી સદીની કુતુબિયા મસ્જિદ, જે મરાકેશ શહેરના સૌથી પ્રખ્યાત ઐતિહાસિક સ્થળોમાંની એક છે, તેને નુકસાન થયું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલું નુકસાન થયું છે. ભૂકંપ અને મસ્જિદને થયેલા નુકસાનની ઘણી તસવીરો સામે આવી છે.



સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં ઈમારતો તૂટીને કાટમાળમાં ફેરવાઈ ગઈ છે અને ચારેબાજુ ધૂળ દેખાઈ રહી છે. આ સિવાય મરાકેશ શહેરની આસપાસ બનેલી પ્રખ્યાત લાલ દિવાલોના કેટલાક ભાગોને પણ નુકસાન થયું છે. જાણો કે મરાકેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ છે.