બાલ્ટીમોર: અમેરિકામાં દરરોજ સરેરાશ કોવિડ -19 ના એક લાખ નવા કેસ આવી રહ્યા છે, જે શિયાળાની ઉચ્ચ સપાટીએ પહોંચેલા કેસો કરતા વધારે છે. અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટને કારણે ગયા મહિને ચેપના કેસો અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જૂનના અંતથી દેશમાં દરરોજ સરેરાશ 11,000 કેસ આવી રહ્યા છે. હવે આ સંખ્યા 1 લાખ 7 હજાર 143 છે.
આ વાયરસ એવા લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે જેમને રસી આપવામાં આવી નથી. ફ્લોરિડા, લુઇસિયાના અને મિસિસિપીની હોસ્પિટલો દર્દીઓથી છલકાઇ છે. યુ.એસ.માં પ્રથમ વખત નવેમ્બરમાં ચેપના સરેરાશ કેસ 1 લાખને પાર કરી ગયા હતા અને જાન્યુઆરીની શરૂઆત સુધીમાં લગભગ 2 લાખ 50 હજાર સુધી પહોંચી ગયા હતા.
ભારતમાં કોરોનાના કેસ
ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 38,628 નવા કેસ નોંધાયા હતા અને 40,017 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 617 લોકોના મોત થયા હતા.
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3,18,95,385
- કુલ રિકવરીઃ 3,10,55,861
- એક્ટિવ કેસઃ 4,12,513
- કુલ મોતઃ 4,27,317
કેટલા ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 10 લાખ 9 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગઈકાલે જ 49,55,138 લોકોને રસીના ડોઝ અપાયા હતા.
આ વિસ્તારોમાં લગાવો કડક પ્રતિબંધ
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે.