Russia-Ukraine Tensions: યૂક્રેન સાથે તણાવ અને ઘણા દેશોએ પ્રતિબંધો લગાવવાનું એલાન કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘૂંટણીએ આવી ગયા છે અને નરમ વલણ અપનાવ્યું છે. હવે પુતિને નિવેદન આપ્યું છે કે, "અમે કૂટનીતિક સમાધાન લાવવા માટે તૈયાર છીએ." જો કે, પુતિને એમ પણ કહ્યું છે કે, "રશિયાના હિત અને નાગરિકોની સુરક્ષા મુદ્દે અમે કોઈ બાંધછોડ નહી કરીએ."
રશિયા અને યૂક્રેન વચ્ચે હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે રશિયાએ યૂક્રેનના બે અલગ-અલગ ક્ષેત્રોને સ્વતંત્રતાની માન્યતા આપ્યા બાદ હવે અમેરિકાએ રશિયા પર કડક કાર્યવાહી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રાષ્ટ્રને સંબોધિને આપેલા પોતાના ભાષણમાં કહ્યું કે, કયા પુતિન પોતાના પાડોશીઓના ક્ષેત્રોને નવા તથાકથિત "દેશ" જાહેર કરવાનો અધિકાર આપે છે? તેમણે કહ્યું કે, આ યૂક્રેન પર રશિયાના આક્રમણની શરુઆત છે.
જો બાઈડેને કહ્યુ, "મારા વિચાર પ્રમાણે વ્લાદિમીર પુતિન બળ દ્વારા વધુ વિસ્તાર પર કબ્જો કરવા માટે એક તર્ક સ્થાપિત કરી રહ્યા છે. તેઓ વધુ આગળ જવા માટે એક તર્ક સ્થાપિત કરી રહ્યા છે." તેમણે વધુમાં કહ્યું કે, "આ કાર્ય (યૂક્રેનના વિસ્તારોને સ્વતંત્ર દેશ જાહેર કરવા) આંતરરાષ્ટ્રીય કાયદાનું મુખ્ય ઉલ્લંઘન છે. અમે રશિયાને તેના શબ્દોથી નહી પણ તેના કામોથી આંકીશું"
જો બાઈડેને કહ્યુ, "મને આશા છે કે, કૂટનીતિ હજી ઉપલબ્ધ છે. રશિયા પર પહેલાં લાગાવાયેલા પ્રતિબંધોથી વધુ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ પ્રતિબંધમાં હવે રશિયાને પશ્ચિમી નાણાં નહી મળે. રશિયાના કુલીન વર્ગ ઉપર પણ પ્રતિબંધ લગાવાશે." બાઈડેને વધુમાં કહ્યું કે, "અમે બે મોટી નાણાંકીય સંસ્થાઓ VEB અને રશિયાની સૈન્ય બેન્ક પર પ્રતિબંધ લાગુ કરી રહ્યા છીએ. રશિયાના સંપ્રભુ દેવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ."
જો બાઈડેને કહ્યું કે, રશિયા જેમ-જેમ આગળ વધશે તેના પર પ્રતિબંધ પણ વધતા જશે. એ સાથે જ નાટો સાથે અમારો કરાર અટલ છે. નાટોની દરેક ઈંચની રક્ષા કરવામાં આવશે. બાઈડેને કહ્યું કે, રશિયા સામે યૂક્રેનને સૈન્ય મદદ પણ આપીશું. રશિયાએ યૂક્રેનની ચારે બાજુ સૈનિકો તૈનાત કરીને રાખ્યા છે. રશિયાના દરેક પડકારનો જવાબ સાથે મળીને આપીશું.
બ્રિટેન અને જર્મનીએ પણ લગાવ્યા પ્રતિબંધઃ
જર્મનીએ રશિયાની "નોર્ડ સ્ટ્રીમ 2" ગેસ પાઈપલાઈન નાંખવાની પ્રક્રિયાને રોકવાની કાર્યવાહી શરુ કરી દીધી છે. આ મોસ્કો માટે એક આકર્ષક સોદો હતો. આ સાથે જ બ્રિટિશ PM બોરિસ જોનસને પણ રશિયા પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, બ્રિટેન મોસ્કો સેનાની તૈનાતી પછી 5 રશિયન બેન્કો, ત્રણ હાઈ નેટ વર્થવાળા (અમીર) વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવશે.