MQ-9B Reaper Drone:  રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન મોદીએ MQ-9B Reaper ડ્રોન ખરીદવાની ભારતની યોજનાને આવકારી છે. આ ડ્રોન અમેરિકન કંપની જનરલ એટોમિક્સે બનાવ્યું છે. આ ડ્રોનને વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન કહેવામાં આવે છે. તેને ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે. આ કરાર ભારતની સુરક્ષાને મજબૂત બનાવશે. આ ડ્રોન હિંદ મહાસાગર અને ચીન સાથેની સરહદ પર દેખરેખ ક્ષમતામાં વધારો કરશે.MQ-9B Reaper ડ્રોન આવતા જ ભારત પાકિસ્તાન અને ચીન સરહદ પર ખૂબ સારી રીતે નજર રાખી શકશે.






36 કલાક સુધી ઉડાણ ભરી શકે છે


MQ-9B Reaper  જેને પ્રીડેટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.  તે એક સમયે 36 કલાક સુધી ઉડાણ ભરી શકે છે. ટૂંક સમયમાં જ ભારતની ત્રણેય સેના સંયુક્ત રીતે અમેરિકા પાસેથી ખરીદવામાં આવનાર 31 પ્રીડેટર ડ્રોનનો ઉપયોગ કરશે. એએનઆઈએ સેનાના એક અધિકારીને ટાંકીને કહ્યું હતું કે આ ડ્રોનને ટ્રાઈ-સર્વિસ કમાન્ડ ઓપરેટ કરશે જેમાં ત્રણેય દળોના અધિકારીઓ અને જવાન સામેલ હશે.


ફાઈટર જેટ એન્જિન ભારતમાં જ બનશે


ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડન અને વડાપ્રધાન મોદીએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ Mk 2 માટે ભારતમાં GE F-414 જેટ એન્જિનના ઉત્પાદન માટે જનરલ ઇલેક્ટ્રિક અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વચ્ચેના કરાર પર હસ્તાક્ષર કરવાની પણ પ્રશંસા કરી હતી. જનરલ ઈલેક્ટ્રોનિક્સ એરોસ્પેસે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે ભારતીય વાયુસેના માટે ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે HAL સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકન કંપનીએ આ કરારને સીમાચિહ્નરૂપ ઘટના ગણાવી છે.


બંન્ને નેતાઓએ ભારત સરકારના સહયોગથી ભારતમાં નવી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધાના નિર્માણ માટે 825 મિલિયન અમેરિકન ડોલર સુધીના રોકાણની માઈક્રોન ટેક્નોલોજીની જાહેરાતનું સ્વાગત કર્યું હતું. 2.75 બિલિયન અમેરિકન ડોલરનું સંયુક્ત રોકાણ આગામી પાંચ વર્ષમાં 5,000 પ્રત્યક્ષ અને 15,000 પરોક્ષ નોકરીની તકોનું સર્જન કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે.