ન્યૂયોર્કઃ મુંબઇ હુમલાના 10 વર્ષ પુરા થયાના દિવસે અમેરિકાએ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે હુમલાના ગુનેગારો અંગેની જાણકારી આપનારને 35 કરોડ રૂપિયાના ઇનામ આપવામાં આવશે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે, તમામ અમેરિકન નાગરિકો તરફથી ભારતમાં 26/11ના રોજ થયેલા હુમલા પર સંવેદના વ્યક્ત કરું છું. આ હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા છ અમેરિકન નાગરિકો સહિત તમામ પીડિત લોકો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

પાકિસ્તાનને સલાહ આપતા માઇક પોમ્પિયોએ કહ્યું લશ્કર-એ-તૌયબા જેવા આતંકી સંગઠનો પર પાકિસ્તાન સરકારે મોટી કાર્યવાહી કરવી જોઇએ. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાકિસ્તાને આ હુમલાના દોષિતોને કડક સજા કરવી જોઇએ. પોમ્પિયોએ કહ્યું કે, હુમલાના દોષિતોને અત્યાર સુધીમાં પકડવા નહી તે હુમલામાં ગુમાવનારા પોતાના લોકોનું અપમાન છે.

નોંધનીય છે કે 10 વર્ષ અગાઉ આજના દિવસે એટલે કે 26 નવેમ્બરે લશ્કર-એ-તૌયબાના 10 આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઇ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા. હુમલામાં છ અમેરિકન સહિત કુલ 28 વિદેશી નાગરિકો માર્યા ગયા હતા.