Twitter Suspended Accounts: ટ્વિટરના નવા બોસ ઈલોન મસ્કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને ફરી સક્રિય કર્યા બાદ અન્ય સસ્પેન્ડેડ એકાઉન્ટને પુનઃ શરૂ કરવાનું કામ શરૂ કરી દીધું છે. ટ્વિટર પર પાછા ફરવા માટે માત્ર એક માફી માંગવાની રહેશે. મસ્કે આ માટે એક નવો સર્વે બહાર પાડ્યો છે.
મસ્કે સસ્પેન્ડેડ એકાઉન્ટ્સ કરી સક્રિય કરવાના તેમના પોલ્સમાં મસ્કે પૂછ્યું હતું કે, શું ટ્વિટરે સસ્પેન્ડ કરેલા એકાઉન્ટ્સ માટે સામાન્ય માફીની ઓફર કરવી જોઈએ, કે જેમણે કાયદાનો ભંગ નથી કર્યો અથવા ગંભીર સ્પામમાં સંકળાયેલા નથી.
ઈલોન મસ્કે ટ્વિટર દ્વારા અગાઉ સસ્પેન્ડ કરેલા એકાઉન્ટસને ફરી એક્ટિવ કરવા એ સ્કીમ શરૂ કરી હોય તેમ જણાય છે. આ માટે મસ્કે એક પોલ હાથ ધર્યો છે જેમાં લોકોને મતદાનમાં 'હા' અથવા 'ના'માં જવાબ આપવા કહ્યું છે. 24-કલાકની વિંડો સાથેના મતદાન સર્વેક્ષણના પરિણામો 25 નવેમ્બર, 2022 ના રોજ લગભગ 11.16 વાગ્યે (IST) બહાર પાડવામાં આવશે. અગાઉ મસ્કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને રિએક્ટિવ કરવા માટે સમાન સર્વે કર્યો હતો. આ સર્વેમાં 1.5 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
22 મહિના બાદ ટ્રમ્પનું કમબેક
મસ્કના પોલમાં 51.8 ટકા લોકો ટ્રમ્પમે ટ્વિટર પર પાછા લાવવા સહમત થયા હતા, જ્યારે 48.2 ટકા લોકોએ અસહમતી દર્શાવી હતી. સર્વેક્ષણ બાદ ઈલોન મસ્કે જનતા સાથે જવાનો નિર્ણય કર્યો અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. આ સાથે ટ્રમ્પ લગભગ 22 મહિના પછી ટ્વિટર પર પાછા ફર્યા હતાં. 6 જાન્યુઆરી, 2021 ના રોજ કેપિટોલ હિલ હિંસા બાદ ટ્વિટરે ટ્રમ્પ પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રમ્પના એકાઉન્ટ્સને રિએક્ટિવ કરતી વખતે મસ્કે કહ્યું હતું કે, મોટાભાગના લોકો ઈચ્છે છે કે ટ્રમ્પનું એકાઉન્ટ રિએક્ટિવ થાય.
સવારે ઉઠીને નીત નવા નિયમ
ટ્વિટર અધિગ્રહણ બાદ એલોન મસ્ક કંપનીને સંપૂર્ણપણે બદલવામાં વ્યસ્ત છે. તેઓ ટ્વિટર કર્મચારીઓ સાથે કામ કરવાને લઈને સતત આકરા નિયમો બનાવી રહ્યા છે. મસ્ક ઈચ્છે છે કે ટ્વિટરના તમામ કર્મચારીઓ દર શુક્રવારે ઈ-મેઈલ મોકલે જેમાં તેઓ તેમના વર્કપ્લાન વિષે જણાવે. તેમણે તાજેતરમાં જ દર અઠવાડિયે ઓછામાં ઓછા 40 કલાક કામ કરવાની નીતિ જાહેર કરી હતી.