Russia-Ukraine War Update: રશિયા યુક્રેન પર મિસાઇલ હુમલાઓ કરી રહ્યું છે. ફરી એકવાર રશિયાના નિશાન પર યુક્રેનની રાજધાની કિવ છે. કિવ પ્રશાસનના જણાવ્યા અનુસાર બુધવારે રશિયન હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કિવ પ્રશાસન અનુસાર, રશિયાએ આ વખતે ઘણી ઇમારતોને નિશાન બનાવી છે. કિવ પર હુમલા પછી પશ્ચિમ યુક્રેનના લ્વિવ શહેરના મેયરે કહ્યું હતું કે લ્વિવમાં સંપૂર્ણપણે વીજળી ડૂલ થઇ ગઇ છે.
વીજળી વિના લોકો મુશ્કેલીમાં
મેયર એન્ડ્રી આંદ્રે સદોવીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે આખા શહેરમાં વીજળી નથી. અમે વીજળી વિભાગના અધિકારીઓના સંપર્કની રાહ જોઈ રહ્યા છીએ. શહેરના પાણી પુરવઠામાં વિક્ષેપ પણ આવી શકે છે. જેના કારણે શહેરના રહીશો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
વહીવટીતંત્રે લોકોને અપીલ કરી
આ સાથે કિવ શહેર પ્રશાસને સોશિયલ મીડિયા પર કહ્યું કે દુશ્મન શહેરની મહત્વપૂર્ણ ઇમારતોને નિશાન બનાવીને હુમલો કરી રહ્યો છે. શહેરના રહેવાસીઓ સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરાઇ છે. કિવના મેયરએ કહ્યું હતું કે રશિયન મિસાઈલ હુમલાના કારણે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. યુક્રેનના વિદેશ પ્રધાન દમિત્રો કુલેબાએ ટ્વિટર પર કહ્યું કે, મોસ્કોએ કિવ અને અન્ય યુક્રેનિયન શહેરોને નિશાન બનાવીને નવી મિસાઈલ ટેરર લોન્ચ કરી છે. આ સિવાય રશિયાના નિશાન પર યુક્રેનના પરમાણુ પાવર સ્ટેશનવાળા શહેરો પણ છે. રશિયા પણ તેમના પર હુમલાઓ ઝડપી બનાવી રહ્યું છે.
રશિયાના હવાઈ હુમલાઓથી યુક્રેનને સતત નુકસાન થઈ રહ્યું છે. આ વખતે રશિયા તરફથી છોડવામાં આવેલી મિસાઈલનું નિશાન નવજાત શિશુ બની ગયું હતું. યુક્રેનના દક્ષિણી ઝાપોરિઝ્ઝ્યા પ્રદેશમાં પ્રસૂતિ વોર્ડ પર રશિયન હુમલા બાદ એક નવજાત બાળકનું મૃત્યુ થયું છે. આ હુમલામાં મેટરનિટી વોર્ડની બે માળની ઈમારતને સંપૂર્ણ નુકસાન થયું હતું.
રેસ્ક્યુ ટીમે જણાવ્યું કે આ વોર્ડ ઝાપોરિઝ્ઝ્યા ક્ષેત્રના વિલ્નિઆસ્ક શહેરમાં છે. મિસાઇલ હુમલા દરમિયાન એક મહિલા નવજાત બાળક સાથે બિલ્ડિંગમાં હતી. બાળકની માતા અને એક ડોક્ટરને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયા પર તેમના દેશમાં આતંક અને હત્યાનો આરોપ લગાવ્યો હતો.