BRICS Nation Support India: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી છે.  શુક્રવારે (6 જૂન) બ્રાઝિલિયામાં આયોજિત બ્રિક્સ સંસદીય મંચમાં આ હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી અને આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પાકિસ્તાન માટે એક મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે ચીન ઉપરાંત, ઘણા મુસ્લિમ દેશો પણ તેમાં સામેલ છે.

ચીન ઉપરાંત, ઘણા મુસ્લિમ દેશો પણ બ્રિક્સ સંસદીય પેનલમાં સામેલ છે. ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા તેમજ ઈરાન, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયાના પ્રતિનિધિઓએ આ મંચમાં ભાગ લીધો હતો. લોકસભા સાંસદ ઓમ બિરલાએ બેઠકમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, ઓપરેશન સિંદૂર પછી, ભારતે વિશ્વના વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલ્યા છે, જ્યાં પાકિસ્તાનના આતંકનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 ઓમ બિરલાના શબ્દો પર સહમતિ

પોતાના સંબોધનમાં, ઓમ બિરલાએ કહ્યું કે, આતંકવાદ આજે એક વૈશ્વિક કટોકટી બની ગયો છે, જેનો સામનો ફક્ત આંતરરાષ્ટ્રીય સહયોગથી જ થઈ શકે છે. તેમણે ચાર મુખ્ય પગલાંની હિમાયત કરી. આમાં આતંકવાદી સંગઠનોને નાણાકીય સહાય બંધ કરવી, ગુપ્ત માહિતીની આપ-લેને વેગ આપવી, ટેકનોલોજીનો દુરુપયોગ અટકાવવા અને તપાસ અને ન્યાયિક પ્રક્રિયામાં સહયોગ વધારવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. બેઠકમાં હાજર તમામ દેશોએ ઓમ બિરલાના શબ્દોને સર્વાનુમતે સ્વીકાર્યા અને અંતિમ ઘોષણામાં તેનો સમાવેશ કર્યો.

લોકસભા સચિવાલયનું  નિવેદન

લોકસભા સચિવાલયે જાહેર કરેલા નિવેદન અનુસાર, સંયુક્ત ઘોષણામાં ભારતના પહેલગામ હુમલાની સખત નિંદા કરવામાં આવી છે અને તમામ બ્રિક્સ દેશોની સંસદો આતંકવાદ સામે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. આતંકવાદ ઉપરાંત, બેઠકમાં AI , વૈશ્વિક વેપાર, આંતર-સંસદીય સહયોગ અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.