નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે અમેરિકાએ મોટી સિદ્ધી નોંધાવી છે. નાસાએ પ્રથમ વખત પ્રાઇવેટ કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનથી બે લોકોને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેના સાક્ષી બન્યા હતા. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરની છત પર ઉભા રહીને ટ્રમ્પ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. ટ્રમ્પની સાથે પુત્રી ઈવાન્કા અને જમાઈ જેયર્ડ પણ હતા.

સ્પેસએક્સે અતંરિક્ષ યાનમાં નાસાના બે એસ્ટ્રોનોટને મોકલ્યા છે. નાસાના એસ્ટ્રોનોટ બોબ બેનકન અને ડગ હર્લી 19 કલાકની સફર બાદ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પહોંચશે. આ મિશનમાટે એસ્ટ્રોનોટ બોબ બેનકેન અને ડગ હર્લીની પસંદગી 2000માં થઈ ચૂકી હતી. બંને સ્પેસ શટલ દ્વારા બે-બે વખત અંતરિક્ષમાં જઈ ચુક્યા છે.


2011 બાદ અમેરિકાએ આ પ્રકારના મિશનને પ્રથમ વખત અંજામ આપ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સફળ લોન્ચિંગ બાદ કહ્યું, સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સૂલ સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચી ગઈ છે. આપણા અંતરિક્ષ યાત્રી સુરક્ષિત અને સ્વસ્થ છે. આ અમેરિકાની મહત્વાકાંક્ષાના એક નવા યુગની શરૂઆત છે.


બંને એસ્ટ્રોનોટ્સને અમેરિકાની કંપની સ્પેસ એક્સના સ્પેસક્રાફ્ટ ડ્રેગનથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવ્યા છે. સ્પેસ એક્સ એમિરકન ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની છે. જે નાસા સાથે મળીને ભવિષ્યના અનેક અંતરિક્ષ મિશનો પર કામ કરી રહી છે.