વોશિંગ્ટન: પહેલા કોરોના વાયરસ અને હવે હોંગકોંગને લઈ અમેરિકાએ ચીન સામે નવો મોરચો ખોલી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર ચીનના કબજાનો આરોપ લગાવતા આ યૂએન સ્વસ્થ્ય સંગઠન સાથે અમેરિકાના તમામ સંબંધ પૂરા કરી નાંખવાની જાહેરાત કરી છે. જ્યારે ચીન સામે નવા પ્રતિબંધોની પણ જાહેરાત કરી છે. જેમાં હોંગકોંગમાં પ્રશાસન માટે જવાબદારી ચીની અધિકારીઓના અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવવાની સાથે ઘણી છૂટછૂટા ખત્મ કરવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે કહ્યું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ચીન દર વર્ષે ફક્ત ચાર કરોડ ડોલર આપે છે, જ્યારે અમેરિકા 45 કરોડ ડોલરનું દાન આપે છે. છતાં વિશ્વની અત્યંત મહત્ત્વની આ સંસ્થા પર ચીન કબજો ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વૈશ્વિક સ્તરે સૂચવેલા અને જરૂરી સુધારા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. જેથી અમે તેની સાથેના તમામ સંબંધો તોડી નાંખીએ છીએ.

ચીન પર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું કોરોના વાયરસના સંદર્ભમાં ચીની અધિકારીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને રિપોર્ટિંગની પોતાની જવાબદેહીને નજરઅંદાજ કરી. આ સાથે જ વિશ્વને ગુમરાહ કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર દબાણ કર્યું. ચીનમાં પ્રથમ વખથ થયેલી કોરોના વાયરસની ઓળખ બાદ અત્યાર સુધીમાં લાખો લોકોના મોત થયા છે અને ખૂબ જ મોટું આર્થિક નુકશાન થઈ ગયું છે.