NATO 72-hour warning: યુરોપિયન યુનિયને તેના સભ્ય દેશોના નાગરિકોને આગામી ૭૨ કલાક માટે પૂરતો ખોરાક, પાણી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા અને કોઈપણ પ્રકારની આપત્તિ કે હુમલા માટે તૈયાર રહેવા માટે તાકીદ કરી છે. યુરોપીય સંઘ દ્વારા આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.
યુરોપિયન યુનિયન દ્વારા આપવામાં આવેલી આ ચેતવણીથી સમગ્ર યુરોપમાં ખળભળાટ મચી ગયો છે. લોકોમાં અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે એવી કઈ પરિસ્થિતિ આવી શકે છે જેના માટે યુનિયને આ પ્રકારનું એલર્ટ જાહેર કર્યું છે. યુનિયને સ્પષ્ટપણે લોકોને ૭૨ કલાક સુધી ચાલે તેટલો ખોરાક, પાણી અને જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરવા જણાવ્યું છે.
જો કે, યુરોપિયન યુનિયન દ્વારા આ ચેતવણીને એક સામાન્ય વ્યૂહરચનાનો ભાગ ગણાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચેતવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિનાશક પૂર, આગ, મહામારી અને સંભવિત સૈન્ય હુમલાઓ સામે નાગરિકોની સજ્જતા વધારવાનો છે. તેમ છતાં, આ ચેતવણીને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે, કારણ કે યુદ્ધવિરામ માટેની વાતચીત હજુ સુધી કોઈ નક્કર પરિણામ લાવી શકી નથી.
ઉલ્લેખનીય છે કે યુરોપિયન યુનિયને તાજેતરમાં જ રશિયાને ચેતવણી આપી હતી કે જો તે પોલેન્ડ પર હુમલો કરશે તો યુનિયન તેના નાગરિકોને જાણ કરે તે પહેલાં મોસ્કોને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. હવે યુરોપિયન યુનિયનની આ તૈયારીએ અનેક તર્ક-વિતર્કોને જન્મ આપ્યો છે.
આ અંગે યુરોપિયન યુનિયન કમિશન દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ નાગરિકોને કટોકટીની પરિસ્થિતિ માટે સક્રિય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. જેમાં ઘરેલું સ્તરે કટોકટીની યોજનાઓ બનાવવી અને જરૂરી પુરવઠો સંગ્રહ કરવો સામેલ છે. આ પગલું યુનિયન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી તેની પ્રથમ રણનીતિની રૂપરેખાનો એક ભાગ પણ માનવામાં આવી રહ્યું છે. આમ, યુરોપિયન યુનિયન દ્વારા આપવામાં આવેલી આ ચેતવણીએ યુરોપમાં એક પ્રકારની ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે.