Tourist Submarine sank in the Red Sea : ઇજિપ્તના લાલ સમુદ્રમાં હુરઘાડા શહેરના દરિયા કિનારે ગુરુવારે (27 માર્ચ) સવારે એક પ્રવાસી સબમરીન ડૂબી ગઈ. આ ભયાનક ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત અને 9 લોકો ઘાયલ થયાની આશંકા છે.
બીબીસીના અહેવાલ મુજબ, આ ઘટના બાદ લગભગ 29 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ સહિત અન્ય તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજિપ્તના હુરઘાડા શહેરના કિનારે ડૂબી ગયેલી આ પ્રવાસી સબમરીનનું નામ સિંદબાદ હતું. આ સબમરીનમાં લગભગ 44 મુસાફરો સવાર હતા, જે ગુરુવારે (27 માર્ચ) સવારે દરિયા કિનારે બંદર નજીક ડૂબી ગઈ હતી.
ઘાયલોને સારવાર માટે 21 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે 21 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સિંદબાદ સબમરીનમાં કુલ 44 મુસાફરો હતા, જે વિવિધ દેશોના નાગરિકો હતા, જેઓ ઇજિપ્તના લાલ સમુદ્રના ઊંડાણમાં કોરલ રીફ અને ઉષ્ણકટિબંધીય માછલીઓને એક્સપ્લોર કરવા ગયા હતા. આ પ્રવાસી સબમરીન સમુદ્રમાં 72 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે, પરંતુ કોઈ અજ્ઞાત કારણોસર તે ડૂબી ગઈ. જોકે, આ સબમરીન ડૂબી જવાના કારણની હજુ તપાસ ચાલી રહી છે.
Sindbad Club દ્વારા બહાર પાડવામાં આવેલી એક જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે, "એર કંડીશનરથી સજ્જ અને સલામત સબમરીનમાંથી લાલ સમુદ્રની સુંદરતાનો આનંદ માણો." તેમાં 44 પેસેન્જર સીટ અને મોટી કાચની બારીઓ છે, જેના દ્વારા લોકો સમુદ્રની નીચેનો અદ્ભુત નજારો જોઈ શકે છે.
સિંદબાદ સબમરીન વર્ષોથી કાર્યરત હતી, જેનાથી પ્રવાસીઓને સમુદ્ર નીચે 25 મીટર (82 ફૂટ) ડૂબકી લગાવીને 500 મીટર કોરલ રીફ અને તેના દરિયાઈ જીવનને એક્સપ્લોર કરવાની તક મળી.
તેની વેબસાઇટ મુજબ, આ જહાજ વિશ્વભરમાં ફક્ત 14 વાસ્તવિક મનોરંજક સબમરીનમાંથી એક છે. ફિનલેન્ડમાં ડિઝાઇન કરાયેલ આ સબમરીન 44 મુસાફરો અને બે ક્રૂ સભ્યોને લઈ જઈ શકે છે. આ અનુભવ માટેની ટિકિટની કિંમત પુખ્ત વયના લોકો માટે $69 અને બાળકો માટે $33 છે, જ્યારે શિશુઓ મફતમાં બોર્ડ કરી શકે છે. જોકે, આ સબમરીન કેવી રીતે ડૂબી તેે એક ચર્ચાનો વિષય છે.