પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી પાકિસ્તાનના એક પત્રકારે આપી હતી. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના એક કાર્યકર્તાએ કર્યો હોવાનો આરોપ છે.






પાકિસ્તાન સ્થિત ડિઝિટલ મીડિયા ફેક્ટ ફોક્સ સાથે જોડાયેલા પત્રકાર અહમદ નૂરાનીએ ટ્વિટર પર લખ્યું કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં એક પીટીઆઇ કાર્યકર્તાએ હુમલો કર્યો છે. પાકિસ્તાનમાં પીટીઆઇ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ કારણ કે હવે પાર્ટીએ તમામ હદો પાર કરી છે. શારીરિક હિંસાને ક્યારેય માફ કરી શકાય નહી. પાકિસ્તાની  પત્રકારના મતે હુમલામાં નવાઝ શરીફનો  ગાર્ડ ઇજાગ્રસ્ત થયો છે. બ્રિટન પોલીસે હુમલાખોરને ઝડપવાના માટે કાર્યવાહી શરૂ કરી હતી.


ઈમરાન ખાને આજે બહુમત સાબિત કરવાનો છે


વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે નેશનલ એસેમ્બલીમાં બહુમત સાબિત કરવાનો છે. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયા બાદ ઈમરાન ખાનના સાથીઓએ પણ તેમનો સાથ છોડી દીધો છે. બીજી તરફ ઈમરાન ખાન પોતાની સરકાર બચાવવા માટે વિપક્ષ પર સતત પ્રહારો કરી રહ્યા છે.


ઈમરાન ખાને શનિવારે ફરી એકવાર વિપક્ષ પર નિશાન સાધ્યું છે. ઈમરાનને સત્તા પરથી હટાવવાની સાથે જ આગામી વડાપ્રધાન તરીકે રજૂ કરવામાં આવેલા વિપક્ષના નેતા શાહબાઝ શરીફ પર કટાક્ષ કરતા ઈમરાન ખાને કહ્યું કે જો શાહબાઝ શરીફ વડાપ્રધાન બનશે તો તેઓ અમેરિકાની ગુલામી કરશે. શાહબાઝ શરીફ અમેરિકાના ગુલામ બનશે. ઈમરાન ખાને શાહબાઝ શરીફ પર પ્રહાર કરતા કહ્યું કે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ છે.