Nepal PM Prachanda loses trust vote: નેપાળના વડાપ્રધાન રહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડ માટે શુક્રવાર (12 જુલાઈ)નો દિવસ એક ખરાબ દિવસ સાબિત થયો. તેમણે સંસદમાં પોતાનો વિશ્વાસમત ગુમાવી દીધો. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું. જેના પછી હવે પ્રશ્ન થવા લાગ્યો છે કે નેપાળના આગામી વડાપ્રધાન કોણ બનશે?


નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ સંસદના નીચલા ગૃહમાં વિશ્વાસમત મેળવી શક્યા નહીં. તેમના સમર્થનમાં માત્ર 63 મત પડ્યા જ્યારે વિરોધમાં 193 મત. આમાં એક સાંસદે મતદાનમાં ભાગ લીધો ન હતો. સંસદમાં કુલ 258 સાંસદો હાજર હતા.


4 વાર વિશ્વાસમત મેળવી ચૂક્યા હતા, પાંચમી વખતે હાર્યા


ગયા અઠવાડિયે તેમની સરકારમાંથી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સવાદી લેનિનવાદી (સીપીએન-યુએમએલ)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. દેશની 275 સભ્યોની પ્રતિનિધિ સભામાં 69 વર્ષના પ્રચંડને 63 મત મળ્યા, જ્યારે વિશ્વાસમત પ્રસ્તાવની વિરુદ્ધમાં 194 મત પડ્યા. વિશ્વાસમત મેળવવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી. પ્રચંડ 25 ડિસેમ્બર, 2022ના રોજ પદ સંભાળ્યા પછી ચાર વખત વિશ્વાસમત મેળવવામાં સફળ રહ્યા, પરંતુ આ વખતે તેમને નિષ્ફળતા મળી.


નેપાળનો આગામી વડાપ્રધાન કોણ?


પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વ હેઠળની સીપીએન-યુએમએલએ સદનમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા-ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી ગયા અઠવાડિયે પ્રચંડના નેતૃત્વવાળી સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પહેલેથી જ આગામી વડાપ્રધાન તરીકે ઓલીનું સમર્થન કરી ચૂક્યા છે. નેપાળી કોંગ્રેસ પાસે પ્રતિનિધિ સભામાં 89 બેઠકો છે, જ્યારે સીપીએન-યુએમએલ પાસે 78 બેઠકો છે. આ રીતે બંનેની સંયુક્ત સંખ્યા 167 છે, જે નીચલા ગૃહમાં બહુમતી માટે જરૂરી 138થી ઘણી વધારે છે.





275 સભ્યોની પ્રતિનિધિ ધરાવતા નેપાળના નીચલા ગૃહમાં સરકારની રચના માટે 138 સભ્યોની જરૂર હોય છે, જ્યારે નેકા અને સીપીએન-યુએમએલ ગઠબંધન પાસે 167 સભ્યોનું બળ છે જે નીચલા ગૃહમાં બહુમતીના આંકડા કરતાં ઘણું વધારે છે. આથી આશાઓ લગાવવામાં આવી રહી છે કે દેઉબા અને ઓલીની સત્તામાં વાપસી થઈ શકે છે. નેકા અને સીપીએન-યુએમએલ વચ્ચે થયેલા સમજૂતી મુજબ ઓલી અને દેઉબા વારાફરતી ત્રણ વર્ષ સુધી વડાપ્રધાન પદ સંભાળશે. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ પહેલેથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી દીધું છે.