લંડનઃ બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોન્સનના ભારત સાથે ખાસ સંબંધ છે. છેલ્લા વર્ષે જ તેમનાથી અલગ થનારી પત્ની મૈરિના વ્હીલર પત્રકાર સર ચાર્લ્સ વ્હીલર અને દીપ સિંહની દીકરી છે. વ્હીલર બીબીસીના ભારતના પત્રકાર તરીકે કામ કરતા હતા અને 1961માં દિલ્હીમાં જ શિખ મહિલા દીપ સાથે લગ્ન કર્યા હતા. દીપ સિંહે મૈરિનાના પિતા સાથે લગ્ન કર્યા  તે અગાઉ જાણીતા લેખક ખુશવંત સિંહના ભાઇ દલજીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ ભારતીય પ્રવાસીઓના એક કાર્યક્રમમાં સંબોધિત કરતા બોસિરે પોતાને ભારતનો જમાઇ ગણાવ્યો હતો. તેમણે  જાતે જ  ભારત સાથે ખાસ સંબંધ હોવાની વાત કરી હતી.

બોરિસે કહ્યું કે, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન તેમણે એ વાત પર ભાર મુક્યો હતો કે ભારત અને બ્રિટન સાથે મળીને અનેક મોરચે કામ કરવાની જરૂર છે. ભારત સાથે પોતાના સંબંધોનો ઉલ્લેખ કરી બોરિસે કહ્યું કે બંન્ને દેશો પરસ્પર વ્યાપાર વધારવાની જરૂર છે.

ટેરેસા મેના રાજીનામા બાદ બોરિસ જોન્સન કંઝર્વેટિવ પાર્ટી તરફથી વડાપ્રધાન પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે જેરેમી હંટને હાર આપી હતી. બોરિસને 92,153 મત મળ્યા હતા જ્યારે જેરેમી હંટને 46,656 મત હાંસલ કર્યા હતા.