સમગ્ર વિશ્વમાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો નોંધાયો છે. અમેરિકામાં સતત બે દિવસથી કોરોનાના નવા કેસનો આંકડો એક લાખ કરતાં વધારે નોંધાઈ રહ્યો છે. અમેરિકામાં કોરોનાના કેસ 50 ટકા વધતા ફ્લોરિડા નવું હોટ સ્પોટ બન્યું છે અને ત્યાં સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે. ચીનમાં પણ રાજધાની બેઈજિંગ સહિત ૧૮ પ્રાંતમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કેસ નોંધાતા જિનપિંગ તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યારે અન્ય દેશની વાત કરીએ તો કોરોનાના કારણે છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં વધુ ૯૧૦ જ્યારે રશિયામાં ૭૮૯ લોકોનાં મોત નીપજ્યાં છે.
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો કુલ કેસનો આંકડ 19.87 કરોડને પાર થઈ ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 42.37 લાખના મોત થયા છે. વિશ્વભરમાં 24 કલાકમાં નવા 2.61 લાખથી વધારે કેસ નોંધાયા છે જ્યારે 5000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં વિશ્વમાં એક્ટવિ કેસની સંખ્યા 1.5 કરોડને પાર કરી ગઈ છે. આ માહિતી વર્લ્ડોમીટર વેબસાઈટ પર આપવામાં આવી છે. કોરોનાનો કહેર એવો છે કે 29 દેશોમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે જ્યારે અનેક દેશોમાં તો ફ્રન્ટલાઈન વર્કર્સ પાસે પૂરતા સંસાધનો પણ નથી.
અમેરિકામાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસની સંખ્યા 1 લાખથી વધારે આવી રહી છે. ફ્લોરિડામાં નવા કેસ 21000 નોંધાયા હતા. અમેરિકામાં હાલમાં નોંધાતા નવા કેસના પાંચમાં ભાગના કેસ એકલા ફ્લોરિડામાંથી આવી રહ્યા છે. કોરોનાના કેસ વધતા ફ્લોરિડામાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવાયું છે. અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૩.૫૭ કરોડને પાર થયા છે જ્યારે કુલ મૃત્યુઆંક ૬.૨૯ લાખ થયો છે. એક્ટિવ કેસ વધીને ૫૫ લાખથી વધુ થયા છે.
બ્રાઝિલમાં ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૯૧૦નાં મોત થયા છે. પરિણામે કુલ મૃત્યુઆંક ૫.૫૬ લાખથી વધુ થયો છે જ્યારે કુલ કેસ ૧.૯૯ કરોડને પાર થયા છે. રશિયામાં પણ ૨૪ કલાકમાં કોરોનાથી ૭૮૯નાં મોત નીપજ્યાં છે જ્યારે કોરોનાના નવા ૨૩,૮૦૭ કેસ નોંધાયા છે.
ચીનમાં પણ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે માથું ઉંચક્યું છે. ચીનમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૮ પ્રાંતમાં ડેલ્ટા વેરિઅન્ટના ૩૦૦થી વધુ કેસ નોંધાતા જિનપિંગ હરકતમાં આવ્યું છે. રાજધાની બેઈજિંગ, જિઆંગસુ અને સિચુઆન સહિત ૨૭ શહેરોમાં ૩૦૦થી વધુ કેસ નોંધાયા હોવાની સ્થાનિક તંત્રે પુષ્ટી કરી હતી. કોરોનાના કેસ વધતાં બેઈજિંગ સહિતના શહેરોમાં લોકો, વાહનો, એરલાઈન્સ અને ટ્રેનના પરિવહન પર નિયંત્રણો મૂકી દેવાયા છે.