ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝિલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં  એક સપ્તાહ અગાઉ એક મસ્જિદમાં થયેલા આતંકી હુમલા બાદ ગન બેનની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને વિશ્વાસ અપાવ્યો હતો કે તે ટૂંક સમયમાં આ સંબંધમાં નિર્ણય લેશે અને હવે તેમણે સરકારના નવા નિર્ણયની જાહેરાત કરી છે. વડાપ્રધાન જેસિન્ડાએ ગુરુવારે કહ્યું હતું કે, ક્રાઇસ્ટચર્ચ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને દેશમાં  અસોલ્ટ રાઇફલો અને સેમી-ઓટોમેટિક હથિયારોના વેચાણ પર તત્કાળ પ્રભાવથી  પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, હું જાહેરાત કરી રહી છું કે ન્યૂઝિલેન્ડમાં તમામ સેમી ઓટોમેટિક હથિયારોના વેચાણ પર પ્રતિબંધ હશે. અમે તમામ અસોલ્ટ રાઇફલ પર પણ પ્રતિબંધ લગાવીએ છીએ.


ન્યૂઝિલેન્ડના વડાપ્રધાને કહ્યું કે, ઉચ્ચ ક્ષમતા ધરાવતી મેગઝીન અને રાઇફલને તેજ અને તાકાવર બનાવનારી તમામ ડિવાઇસના વેચાણ પર પણ  પ્રતિબંધ હશે. મસ્જિદ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલી તમામ સેમી-ઓટોમેટિક  હથિયાર પર હવે પ્રતિબંધ રહેશે.નોંધનીય છે કે  છેલ્લા શુક્રવારે ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો પર થયેલા હુમલામાં 50 લોકોના મોત થયા હતા. હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક હતો જેની ધરપકડ કરવામાં આવી હતી.