લંડનઃ પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. તેના બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, કોર્ટમાં હાજર થવા દરમિયાન નીરવ મોદીએ જામીનની અરજી દાખલ કરી હતી જે કૉર્ટ ફગાવી દીધી છે અને 29 માર્ચ સુધી જેલમાં મોકલી દીધો છે. કોર્ટમાં નીરવના પ્રત્યાર્પણની સુનાવણી શરૂ થશે. આગામી સુનાવણી 29 માર્ચે થશે.
13 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદીને ભારતીય એજન્સીઓ 13 મહિનાથી શોધી રહી છે. આ અગાઉ સોમવારે બ્રિટનના વેસ્ટમિસ્ટર કોર્ટે નીરવ મોદી વિરુદ્ધ અરેસ્ટ વોરંન્ટ જાહેર કર્યું હતું. વાસ્તવમાં બેન્કોના 13 હજાર કરોડ રૂપિયા લઇને ભાગી ગયેલો નીરવ મોદી છેલ્લા દિવસોમાં લંડનમાં ફરતો જોવા મળ્યો હતો. નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી ચૂકી છે. બાદમાં વેસ્ટમિસ્ટર કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો.
નીરવ મોદીની ધરપકડ બાદ ભારત સરકાર બ્રિટન પાસેથી પ્રત્યાર્પણનો પ્રયાસ કરશે. સૂત્રોના મતે હવે સીબીઆઇ અને ઇડીની ટીમો લંડન જવા રવાના થશે. નીરવ મોદી મામલે ઇડી અને સીબીઆઇની ટીમ સતત યુકે ઓથોરિટી અને ભારતીય હાઇકમિશનના સંપર્કમાં છે.
ભાગેડુ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી લગભગ 14 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં આરોપી છે. નીરવ મોદી અને ચોક્સી વિરુદ્ધ ઇડી અને સીબીઆઇ તપાસ કરી રહી છે અને બંન્ને પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ ફરાર છે. બ્રિટનના ન્યૂઝપેપર ધ ટેલિગ્રાફે દાવો કર્યો હતો કે નીરવ મોદી લંડનમાં એક ભવ્ય એપાર્ટમેન્ટમાં રહે છે.