લંડન: પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે ફગાવી છે. હવે પછીની આગામી સુનાવણી 26 એપ્રિલના થશે. નીરવ મોદીની જામીન અરજી પર લંડનની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નીરવ મોદીની જામીન અરજીનો વિરોધ કરતાં ભારતના પક્ષકારે ગંભીર આરોપ લગાવ્યા હતા. તેઓએ કહ્યું કે નીરવ મોદીએ એક સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ નીરવ મોદી પર લાંચ આપવાનો પણ આરોપ લાગાવવામાં આવ્યો હતો.
ભારતીય અધિકારીઓ તરફથી ટોડી કેડમેને કોર્ટમાં કહ્યું કે નીરવ મોદીના આદેશ પર કૌભાંડ સાથે જોડાયેલા અનેક પૂરાવા નષ્ટ કર્યા છે. એવામાં જો તેઓને જામીન મળશે તો તેઓ ફરી તપાસને પ્રભાવિત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 14 હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં આરોપી નીરવ મોદીને 19 માર્ચે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેણે બ્રિટેનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટમાં આજે સુનાવણી હતી.