નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનું શનિવારે અવસાન થયું છે. છેલ્લા થોડા સમયથી બીમારીનો સામનો કરી રહેલા અન્નાન 80 વર્ષના હતા. નોબલ પુરસ્કાર વિજેતા કોફી અન્નાનના ફાઉન્ડેશન દ્વારા તેમના મોતના સમાચાર આપવામાં આવ્યા હતા.


ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું કે, દુઃખ સાથે અન્નાન પરિવાર અને કોફી અન્નાન ફાઉન્ડેશન જાહેરાત કરે છે કે સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ અને નોબલ પુરસ્કારથી સન્માનિત કોફી અન્નાનનું ટૂંકી બીમારી બાદ શનિવારે 18 ઓગસ્ટના રોજ સ્વિત્ઝરલેન્ડમાં અવસાન થયું છે.

8 એપ્રિલ, 1938ના રોજ જન્મેલા કોફી અન્નાન જાન્યુઆરી 1997થી ડિસેમ્બર 2006 સુધી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પદ પર રહ્યા હતા. તેમને 2001માં શાંતિ માટે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

કોફી અન્નાનના અવસાન પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “નોબલ પુરસ્કાર વિજેતા અને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. કોફી અન્નાના રૂપમાં વિશ્વએ એક મહાન આફ્રિકન રાજનેતા અને માનવતાવાદીને જ નથી ગુમાવ્યા પરંતુ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના હિમાયતીને પણ ગુમાવી દીધા છે.”