વોશિંગ્ટનઃ દુનિયાના કરોડો લોકોને પોતાના અનોખા ડાન્સથી દીવાના કરી દેનારા મહાન પોપ સિંગર માઇકલ જેક્સન (Michael Jackson)ની આજે જન્મજ્યંતિ છે. આજે 29 ઓગસ્ટે આ મહાન પોપ સ્ટારનો જન્મદિવસ છે.
29 ઓગસ્ટ, 1958ના રોજ યુનાઈટેડ સ્ટેટસના ઈન્ડિયાના સ્ટેટમાં ગેરી ખાતે જન્મેલા માઈકલ જેક્સનનું 25 જૂન, 2009ના રોજ માત્ર 50 વર્ષની વયે નિધન થયું પણ માઈકલ જેક્સને પોતાનાં ગીતો અને ડાન્સ દ્વારા લોકોનાં દિલોદિમાગ પર એવી અનોખી છાપ છોડી કે, લોકો આજે પણ કહે છે કે તેના જેવો પોપ સ્ટાર અને ડાન્સર પેદા થયો નથી.માઈકલની જન્મજ્યંતિ પર તેનાં ગીતો તેનાં ડાન્સ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.
માઈકલ જેક્સન વિશે સંગીતના જાણકાર એક વાત સ્વીકારે છે કે, જેક્સન જેવો કોઇ પોપ સ્ટાર હજુ સુધી આ દુનિયામાં નથી થયો. માઈકલ જેક્સન સિંગર હોવા ઉપરાંત એક શ્રેષ્ઠ ડાન્સર હતો અને પોતાના મૂન વોક સહિતનાં સ્ટેપ્સ દ્વારા તેણે લોકોને પાગલ કરી દીધાં હતાં.
માઈકલ જેક્સનનું શ્રીલર આલ્બમ વિશ્વમાં આજે પણ સૌથી વધારે વેચાયેલા આલ્બમનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ રેકોર્ડ હજુ સુદી કોઈ તોડી શક્યું નથી ને કોઈ તોડી પણ નહીં શકે. કિંગ ઓફ પોપ તરીકે જાણીતા માઈકલના મોટા ભાગનાં આલ્બમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.
માઇકલ જેક્સને 1987માં આવેલા તેનો મ્યૂઝિક વીડિયો આલ્બમ 'સ્મૂથ ક્રિમિનલ'માં કરેલાં સ્ટેપ્સના કારણે વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. તેનાં એક ડાન્સ સ્ટેપથી લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા ને વિજ્ઞાનીઓ પણ કોઈ માણસ આ ડાન્સ સ્ટેમ્પ કઈ રીતે કરી શકે તેનો અભ્યાસ કરવા લાગ્યા હતા.
આ સ્ટેપમાં માઇકલ પહેલાં સીધો ઉભેલો દેખાય છે અને પછી 45 ડિગ્રી એંગલમાં સામેની તરફ વળે છે. આ સ્થિતિમાં કોઇપણ વ્યક્તિ સંતુલન ગુમાવી દે અને માથાભેર પટકાય પણ માઇકલે આ સ્ટેપ સરળતાથી કર્યું હતું..
વૈજ્ઞાનિકોએ રિસર્ચ બાદ કહ્યું કે, આ સ્ટેપનું રહસ્ય તેનાં જૂતામાં છુપાયેલું હતું. તેનાં જૂતાંને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં કે જેથી માઇકલનાં પગને ખાસ તાકાત મળતી હતી. કોઈ પણ સારો ડાન્સર વધુમાં વધુ 30 ડિગ્રી સુધી વળી શકે પણ માઇકલ આ જૂતાની મદદથી 45 ડિગ્રી સુધી વળી શકતો હતો. માઇકલે એસ્ટ્રોનોટ માટે બનાવેલાં જૂતાથી પ્રેરિત થઈને આ જૂતાં બનાવડાવ્યાં હતાં.