નવી દિલ્હીઃ પાકિસ્તાનના આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાના દાવાઓ વચ્ચે અમેરિકાએ તેની પોલ ખોલી છે. અમેરિકાએ કહ્યું કે, પાકિસ્તાનમાં હજુ પણ આતંકવાદીઓની ભરતી થઇ રહી છે અને તે ફંડિગ એકઠું કરી રહ્યા છે. અમેરિકન વિદેશ મંત્રાલયે આતંકવાદ પર પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ વાત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પર રોક લગાવવામાં અસફળ રહ્યું છે. આ સંગઠન સતત આતંકવાદીઓની ભરતી કરી રહ્યા છે અને ફંડ એકઠું કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અનેક એવા સંગઠન પણ છે જે વિદેશની ધરતી પર હુમલાનું કાવતરું રચે છે.


પાકિસ્તાનના ઇરાદા પર સવાલ ઉઠાવતા અમેરિકન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે સતત અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે વાર્તાનું સમર્થનની વાત કરે છે પરંતુ પોતાના જ દેશમાં હક્કાની નેટવર્ક જેવા ખૂંખાર આતંકી સંગઠનને આશરો આપી રહ્યું છે. અમેરિકાએ કહ્યું કે, આ સંગઠન અમેરિકા અને અફઘાન સરકાર માટે ખતરો બન્યું છે. અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન સરકાર લશ્કર અને જૈશ જેવા ખૂંખાર આતંકી સંગઠનો પર લગામ કસવામાં નિષ્ફળ રહી છે. આ સંગઠન પાકિસ્તાનમાં આતંકીઓની ભરતી કરી ટ્રેનિંગ આપી રહ્યું છે.