નવી દિલ્હીઃ પાકિસ્તાનની નાપાક હરકતોને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે ચેતવણી આપી હતી. રાજનાથસિંહે કહ્યુ હતું કે, ભારત સ્થિતિ અનુસાર પરમાણુ હથિયારોને લઇને પોતાની પોલિસી બદલી શકે છે. હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને પાકિસ્તાની સૈન્યએ રાજનાથ સિંહના નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ નેહરુના ઇન્ડિયાને નષ્ટ કરી દીધું છે. ભારતની નીતિ ડોભાલ સિદ્ધાંતની આસપાસ ફરી રહી છે. જ્યારે પાકિસ્તાની સૈન્યના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, ગઇકાલે રાજનાથ સિંહે એક નિવેદન આપ્યું છે. અમે જાણીએ છીએ કે પારંપરિક યુદ્ધ માટે કોઇ સ્થાન નથી. પરંતુ જે રીતે ભારત આગળ વધી રહ્યું છે તો અમે પણ વિકલ્પને નજરઅંદાજ નહી કરી શકતા.
તેમણે કહ્યું કે, કાશ્મીર એક ન્યૂક્લિયર પોઇન્ટ છે. જ્યારે દુનિયાને ભારતના સંરક્ષણ મંત્રી તરફથી પરમાણુ હથિયારના પ્રયોગવાળા નિવેદનને ધ્યાનમાં લેવાની જરૂર છે. જમ્મુ કાશ્મીરના મામલા પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તરફથી બનાવવામાં આવેલા કાશ્મીર કમિટીની શનિવારની પ્રથમ બેઠક થઇ હતી. આ સમિતિમાં સાત સભ્યો છે. બેઠક પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીની અધ્યક્ષતામાં થઇ હતી.