પાકિસ્તાન અને અફઘાનિસ્તાન 48 કલાક માટેના અસ્થાયી યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા છે. સરહદ પર તાજેતરની અથડામણો પછી આ પગલું લેવામાં આવ્યું છે. જોકે, અફઘાનિસ્તાને પાકિસ્તાની સૈનિકો અંગે એક મોટો દાવો કર્યો છે. અફઘાન સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાન સુરક્ષા દળોએ ડૂરંડ લાઈન પર સ્પિન બોલ્ડકમાં ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ કર્યો અને ઘણા પાકિસ્તાની સૈનિકોને પકડી લીધા હતા.

અફઘાન સુરક્ષા દળોએ ટેન્ક સહિત હળવા અને ભારે શસ્ત્રોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો અને તેને અફઘાન સરહદ પર પહોંચાડ્યો હતો. અહેવાલો અનુસાર, આ અથડામણોમાં પાકિસ્તાની સુરક્ષા દળોને ભારે નુકસાન થયું હતું. અફઘાન દળોએ પાકિસ્તાની દળો પાસેથી બોલ્ડકના ગેટનો પણ કબજે કર્યો હતો.

અફઘાનિસ્તાનના સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાન સુરક્ષા દળોએ બુધવારે વહેલી સવારે એક કાર્યવાહીમાં પાકિસ્તાની દળો પાસેથી સ્પિન બોલ્ડકના ગેટ પણ પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે. તાલિબાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે પાકિસ્તાનની વિનંતી પર બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ બુધવારે સાંજે 5:30 વાગ્યે અમલમાં આવ્યો. તાલિબાને તેના સુરક્ષા દળોને યુદ્ધવિરામનું પાલન કરવાની સૂચના આપી છે.

અગાઉ, પાકિસ્તાને બુધવારે સાંજે અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. અફઘાન મીડિયા અનુસાર, પાકિસ્તાની લડાકુ વિમાનોએ રાજધાની કાબુલ અને સ્પિન બોલ્ડક પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાઓમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

જેના જવાબમાં અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનના પેશાવરમાં ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં એક પ્લાઝાના એક રૂમને નિશાન બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ ગુપ્તચર પ્રવૃત્તિઓ માટે સિક્રેટ ઓફિસ તરીકે થતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલાઓમાં કંદહાર પ્રાંતમાં તાલિબાનની ચોથી બટાલિયન અને છઠ્ઠી બોર્ડર બ્રિગેડ સંપૂર્ણપણે નાશ પામી હતી. અગાઉ, મંગળવારે રાત્રે પાકિસ્તાની સુરક્ષા દળો અને અફઘાન તાલિબાન વચ્ચે અથડામણ થઈ હતી. પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા (ISPR) એ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ બલુચિસ્તાન સરહદ પર અફઘાન તાલિબાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં આશરે 15 થી 20 તાલિબાન માર્યા ગયા હતા. એક અઠવાડિયામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ ત્રીજી મોટી અથડામણ છે.