કેનેડા અને અમેરિકા બાદ હવે પાડોશી દેશ પાકિસ્તાને ભારત પર તેના નાગરિકોની હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે અમારી ધરતી પર બે પાકિસ્તાની નાગરિકોના હત્યારા અને ભારતીય એજન્ટો વચ્ચે સંબંધ હોવાના મજબૂત પુરાવા છે.


પાકિસ્તાનના વિદેશ સચિવ મુહમ્મદ સાયરસ સજ્જાદ કાઝીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતીય એજન્ટોએ પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાની નાગરિક શાહિદ લતીફની હત્યા કરી હતી. ભારતીય એજન્ટોએ રાવલા કોટ મસ્જિદમાં અન્ય પાકિસ્તાની નાગરિક મોહમ્મદ રિયાઝની હત્યા કરવા માટે એક હત્યારાને ભાડે રાખ્યો હતો. અમારી પાસે તેની કબૂલાત અને નક્કર પુરાવા છે. તેમણે કહ્યું કે ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં હત્યાઓ કરવા માટે વિદેશી ધરતી પર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.


તાજેતરમાં બીજી વખત બન્યું છે જ્યારે પાકિસ્તાને પ્રેસ કોન્ફરન્સમાં ભારત પર આ પ્રકારના આરોપો લગાવ્યા છે. અગાઉ 2021માં જોહર ટાઉનમાં હાફિઝ સઈદ પર થયેલા હુમલા બાદ પાકિસ્તાને પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતની ગુપ્તચર એજન્સી RAW અને અંડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવ પર આરોપ લગાવ્યા હતા અને દસ્તાવેજો પણ જાહેર કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે શાહિદ લતીફ લશ્કર-એ-તૌઇબાનો આતંકવાદી હતો.


ટ્રુડોએ સંસદમાં ભારત પર આરોપ લગાવ્યા હતા


19 સપ્ટેમ્બરે જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેનેડિયન સુરક્ષા એજન્સીઓ કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જર અને ભારત સરકાર વચ્ચે સંભવિત કનેક્શનના વિશ્વસનીય આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. કેનેડા કાયદાનું પાલન કરતો દેશ છે. આપણા નાગરિકોની સુરક્ષા અને આપણા સાર્વભૌમત્વનું રક્ષણ મૂળભૂત છે.


પન્નુ પર અમેરિકાએ આક્ષેપો કર્યા?


અમેરિકાએ ગયા મહિને દાવો કર્યો હતો કે ભારતે કથિત રીતે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેને નિષ્ફળ કરવામાં આવ્યું હતું. પન્નુ અમેરિકન નાગરિક છે. જ્યારે ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે. ભારતમાં પન્નુ વિરુદ્ધ બે ડઝન કેસ નોંધાયેલા છે.


યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ મામલે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. જેમાં નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિક અને એક અજાણ્યા ભારતીય સરકારી અધિકારી પર પન્નુની હત્યા કરવાની યોજનાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા આરોપ મુજબ, નિખિલ ગુપ્તા પર ન્યૂયોર્કમાં એક અમેરિકન નાગરિકની હત્યાનો કોન્ટ્રાક્ટ એક લાખ ડોલર રોકડના બદલામાં આપવાનો આરોપ છે. આરોપ છે કે આ હત્યા માટે ભારત સરકારના એક અધિકારીએ ગુપ્તાને હાયર કર્યો હતો.  આમાં સરકારી અધિકારીનું નામ લેવામાં આવ્યું નથી. તેને CC-1 નામ આપવામાં આવ્યું છે.