નવી દિલ્હીઃ ભારત દ્ધારા પાકિસ્તાન સુપર લીગના સીધા પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યાના એક મહિના બાદ પાકિસ્તાન ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ તેની પુષ્ટી કરી છે. આ નિર્ણય ભારતમાં પીએસએલના સતાવાર પ્રસારક ડી સ્પોર્ટ દ્ધારા પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ટુનામેન્ટનું પ્રસારણ રોક્યાના એક મહિના બાદ લેવામાં આવ્યો છે. ભારતીય કંપની આઇએમજી રિલાયન્સે પણ પીએસએલની વૈશ્વિક ટીવી કવરેજ સંબંધી કરાર તોડી દીધો હતો જેનાથી ટુનામેન્ટ દરમિયાન અધવચ્ચે નવી પ્રોડક્શન કંપની સાથે કરાર કરવો પડ્યો હતો. ચૌધરીએ એઆરવાય ન્યૂઝે કહ્યું કે, પીએસએલ દરમિયાન જે રીતે ભારતીય કંપનીઓ અને સરકારે પાકિસ્તાન ક્રિકેટ સાથે કર્યું છે. હવે અમે એ સહન કરી શકીશું નહી કે અમારે ત્યાં આઇપીએલ બતાવવામાં આવે.

તેમણે ભારતીય ટીમ પર ક્રિકેટનું રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઇસીસીને વિનંતી કરી હતી કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સીરિઝ દરમિયાન  સૈન્યની કેપ પહેરનારા ભારતીય ખેલાડીઓ પર કાર્યવાહી કરવામાં આવે. જોકે, આઇસીસીએ કહ્યું હતં કે, આ માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી.

ચૌધરીએ કહ્યું કે, અમે રાજકારણ અને ક્રિકેટને અલગ રાખીએ છીએ પરંતુ ટીમ ઇન્ડિયાએ જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૈન્યની કેપ પહેરી ત્યારે તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આઇપીએલને પાકિસ્તાનમાં બતાવવામાં નહી આવે તો ભારતીય ક્રિકેટ અને આઇપીએલને નુકસાન જશે. અમે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મહાશક્તિ છીએ.