લાહોરઃ પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન ખૂબ બેચેન છે. આ બેચેનીને કારણે ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. થોડા દિવસ અગાઉ જ મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના આ બંન્ને સંગઠનો પરથી પ્રતિબંધ  હટાવવામાં આવ્યો હતો. સઇદ આ બંન્ને સંગઠનો મારફતે લગભગ 300 ધાર્મિક શિક્ષણ સંસ્થાન અને સ્કૂલ, હોસ્પિટલ, પબ્લિશિંગ હાઉસ અને ઍમ્બ્યુલન્સ સર્વિસ ચલાવે છે. સંગઠનના લગભગ 50 હજાર સ્વયંસેવક અને સેંકડો કર્મચારી છે.


પાકિસ્તાન સરકારની આ કાર્યવાહીની જમાત ઉદ દાવાએ નિંદા કરી હતી. જમાત-ઉદ-દાવાના પ્રવક્તાએ કહ્યું કે, સંગઠનોના પ્રતિબંધથી કાશ્મીરના આઝાદી માટે ચાલી રહેલા આંદોલનને નુકસાન પહોંચશે. પ્રતિબંધ ભારતના દબાણના કારણે લગાવવામાં આવ્યો છે. આ અગાઉ અનેક સરકારોએ અમારા સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ અમે કોર્ટ મારફતે તેમાંથી બહાર આવી ગયા હતા. આ વખતે પણ અમે કોર્ટમાં જઇશું. જમાત-ઉદ-દાવા અને એફઆઇએફ શાંતિપૂર્ણ સંગઠન છે અને દાન આધારિત કાર્યોમાં સામેલ છે. વાસ્તવમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબાના સ્થાપક હાફિઝ સઇદને સંયુક્ત રાષ્ટ્રે આતંકી જાહેર કરીને તેના પર 10 મિલિયન ડોલરના ઇનામની જાહેરાત કરી છે. ત્યારબાદ 2012માં પાકિસ્તાને લશ્કર-એ-તૌયબાના પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ કાર્યવાહી બાદ હાફિઝ સઇદને આતંકી ગતિવિધિઓ ચલાવવા માટે જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન બનાવ્યું અને મુંબઇ હુમલા જેવા આતંકી હુમલાઓ પણ કર્યા હતા. અમેરિકા અને યુરોપિયન દેશોના ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે આતંકવાદને સપોર્ટ કરવાના આરોપ લગાવતા પાકિસ્તાનને પોતાની ગ્રે લિસ્ટમાં નાખ્યું છે.