નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી 370 આર્ટિકલ હટાવવાના કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ રદ કરીને રાજ્યના બે ભાગલા પાડી તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દીધા છે. જેને કારણે પાકિસ્તાને ભારત સાથેના તમામ વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે. એટલુ જ નહી પાકિસ્તાને તેમને ત્યાં ભારતીય ફિલ્મો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. નોંધનીય છે કે આજે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને પણ વાઘા બોર્ડર પર રોકી દીધી હતી. જેને કારણે પ્રવાસીઓ ફસાઇ ગયા હતા.


એક રિપોર્ટ અનુસાર, ભારતના કાશ્મીર પરના પગલાથી પાકિસ્તાને પોતાને ત્યાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સૂચના અને પ્રસારણ મામલાના વિશેષ સલાહકાર ડોક્ટર ફિરદૌસ આશિક અવાને કહ્યું કે, પાકિસ્તાનના સિનેમાઘરોમાં કોઇ પણ હિંદુસ્તાનની ફિલ્મ બતાવવામાં આવશે નહીં.

વાસ્તવમાં જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને ખત્મ કરતા પાકિસ્તાનની ઇમરાન સરકાર પર કટ્ટરપંથીઓ અને સૈન્યનું જોરદાર દબાણ છે. પાકિસ્તાનમાં ભારતના આ નિર્ણયથી ઇમરાન સરકારની નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ કારણ છે કે પાકિસ્તાન સરકારને આર્ટિકલ 370 ખત્મ કરવાના વિરોધમાં ભારત સાથે વ્યાપારિક સંબંધો ખત્મ કર્યા હતા.