Pakistan bomb blast 2025: પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પહેલાં પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું છે. શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મસ્જિદમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાએ સમગ્ર પાકિસ્તાનમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ કરૂણ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અક્કોરા ખટ્ટક જિલ્લામાં સ્થિત જામિયા હક્કાનિયા સેમિનારીની મસ્જિદમાં બની હતી. જિલ્લા પોલીસ વડા અબ્દુલ રશીદે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરાવી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ પ્રારંભિક તપાસમાં આ આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, વિસ્ફોટ જામિયા હક્કાનિયા સેમિનારીના સંકુલમાં થયો હતો, જ્યાં અંદાજે 4,000 વિદ્યાર્થીઓ રહે છે અને મફત ભોજન તેમજ શિક્ષણ મેળવે છે. કેપી આઈજી ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં આત્મઘાતી હુમલાના સંકેતો મળ્યા છે અને મૌલાના હમીદુલ હક હક્કાની હુમલાખોરોના નિશાના પર હોઈ શકે છે.

આ હુમલાની તીવ્ર નિંદા કરતા પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, "દુશ્મન દેશ પાકિસ્તાનમાં અસ્થિરતા ફેલાવવાના કાવતરાં ઘડી રહ્યો છે. અમે દુશ્મનોના દરેક નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવીશું અને મૃતકોના પરિવારોની સાથે ઉભા છીએ." તેમણે મૌલાના હમીદુલ હક હક્કાની અને અન્ય ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય માટે દુઆ પણ કરી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યો આતંકવાદ સામેની તેમની સરકારના સંકલ્પને નબળો નહીં પાડી શકે. તેમણે દેશમાંથી આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

આ પણ વાંચો....

ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો