લાહોરઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ગયું છે અને મતગણતરી ચાલી રહી છે. કુલ 272 બેઠકોમાંથી 270 બેઠકો પર મતદાન થયું હતું. બેઠક નંબર એનએ 60માં ઉમેદવારના જેલ જવા અને એનએ 103 પર ઉમેદવારની આત્મહત્યાને કારણે મતદાન થયું નહોતું. ચૂંટણી બેલેટ પેપર મારફતે કરવામાં આવ્યું છે અને સામાન્ય ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાઇ હતી. પાકિસ્તાનમાં કુલ લગભગ 10 કરોડ 60 લાખ મતદારો છે જેમાં 18 લાખ હિન્દુ અને 9 હજાર શીખ મતદારોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનની ચૂંટણીમાં નવાઝ શરીફના જેલ જવાને કારણે તેમના બાઇ શાહબાજ શરીફ, પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન અને બિલાવલ ભુટ્ટો વચ્ચે જંગ છે. અત્યાર સુધીમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ 73 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ 49 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 28 બેઠકો પર લીડ સાથે ત્રીજા નંબર પર છે.