Pakistan Election Results: ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે દાવો કર્યો છે કે તે ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય પક્ષ તરીકે ઉભરી રહી છે અને કેન્દ્ર અને પ્રાંત બંનેમાં સરકારો બનાવશે. તેણે જંગી મતદાન બદલ તેમના લોકોનો આભાર માન્યો હતો. પીટીઆઈના ઓમર અયુબ ખાન અને સેનેટમાં પીટીઆઈના સંસદીય નેતા બેરિસ્ટર અલી ઝફરે જણાવ્યું હતું કે પ્રારંભિક પરિણામો તેમની પાર્ટી માટે ખૂબ જ પ્રોત્સાહક હતા, જે દર્શાવે છે કે તે દેશભરમાં અસંખ્ય બેઠકો પર વિશ્વાસપૂર્વક આગળ છે.


તેઓએ કહ્યું કે ઈમરાન ખાને ચૂંટણી પ્રક્રિયામાં રાજ્યની સૌથી ખરાબ દખલગીરી અને ચૂંટણી પૂર્વેની હેરાફેરી હોવા છતાં બંધારણ, કાયદા અને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કરીને દેશને નવો રસ્તો બતાવ્યો.તેઓએ કહ્યું કે દેશભરના કેટલાક મતવિસ્તારોમાં, ખાસ કરીને કરાચીમાં, સતત અવરોધોને કારણે મતદાન પ્રક્રિયા વિલંબિત થઈ હતી. જો કે, તેઓએ મતની શક્તિ દ્વારા ઈમરાન ખાન અને તેમના હકીકી આઝાદી (વાસ્તવિક સ્વતંત્રતા) ના સાચા એજન્ડામાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ દર્શાવવા બદલ લોકોની પ્રશંસા કરી.


આ ઉપરાંત તેમણે કહ્યું, પ્રારંભિક પરિણામોમાં ઈમરાન ખાનના ઉમેદવારોની જીત સ્પષ્ટ હોવા છતાં પરિણામોની પ્રક્રિયા ચિંતાજનક રીકે ધીમી પડી ગઈ હતી. ઉપરાંત રિટર્નિંગ ઓફિસરોની કચેરીમાં સ્ક્રીનો બંધ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.




 પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 60 બેઠકો મહિલાઓ માટે અને 10 બેઠકો લઘુમતીઓ માટે અનામત છે. સરકાર બનાવવા માટે 134 સીટો પર બહુમતી હોવી જરૂરી છે. ઈમરાન ખાનની પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ લગભગ 96 સીટ પર જીત મેળવી છે. નવાઝ શરીફની પીએમએલએનને 65 અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 51 સીટ મળી છે. એમક્યૂએમ-પીને 14 સીટર, પીએમએલને ત્રણ સીટ, આઈપીપીને બે સીટ, જેયુઆઈ-પીને બે સીટ તથી પીએનપી અને એમડબલ્યુએમે એક-એક સીટ જીતી છે.


ઈમરાને જીત પર અભિનંદન પાઠવ્યા


ઈમરાન ખાને AI આધારિત અવાજ સાથે 'વિજય ભાષણ'નો વીડિયો જાહેર કર્યો છે. આમાં તેમણે કહ્યું કે લોકોએ તેમના મત આપીને વાસ્તવિક સ્વતંત્રતાનો પાયો નાખ્યો છે અને હું 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત માટે બધાને અભિનંદન આપું છું. મને તમારામાં પૂરો વિશ્વાસ હતો કે તમે બધા મતદાન કરવા આવશો અને તમે મારા વિશ્વાસનું સન્માન કર્યું છે. તમારા જંગી મતદાનથી બધાને આશ્ચર્ય થયું છે, તમારા કારણે લંડન પ્લાન નિષ્ફળ ગયો છે.