આતંકી મસૂદને બચાવવાના પ્રયાસમાં પાકિસ્તાન, જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર પર કર્યો કબજો
abpasmita.in | 22 Feb 2019 09:10 PM (IST)
કરાંચીઃ ભારતની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર પર કબજો કરી લીધો છે. જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર પાકિસ્તાનના બહાવલપુરમાં છે. પંજાબ સરકારે જૈશ-એ-મોહમ્મદને પોતાના નિયંત્રણમાં લીધું છે. જૈશ-એ-મોહમ્મદે જ પુલવામા હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને નવો ડ્રામા માનવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં પાકિસ્તાન આતંકી મસૂરને બચાવવાના પ્રયાસમાં છે. બહાવલપુરમાં જ પાકિસ્તાની સૈન્યની 31મી કોરનું હેડક્વાર્ટર આવેલું છે. પાકિસ્તાન ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, પંજાબ સરકારે જૈશના હેડક્વાર્ટર પર પોતાનો કબજો કરી લીધો છે. પ્રવક્તાએ કહ્યું કે, આ કાર્યવાહી ગુરુવારે વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં થયેલી એનએસસીની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય બાદ કરવામાં આવી છે. હાલમાં આ હેડક્વાર્ટરમાં 600 વિદ્યાર્થી ભણે છે અને 70 શિક્ષક તૈનાત છે. પંજાબ પોલીસ કેમ્પસને સુરક્ષા આપી રહી છે. પ્રવક્તાએ કહ્યું કે, એનએસસી બેઠકમાં ઉગ્રવાદીઓના સમુદાયમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ ગઇકાલે પાકિસ્તાને 2008 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના નેતૃત્વના જમાત-ઉદ-દાવા અને તેની સંસ્થા ફલહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે, ગેરકાયદેસર ઠેરવવામાં આવેલા સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્ધારા જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે.