Allegation On Pak Army Generals: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે પાકિસ્તાનના એક પૂર્વ સૈન્ય અધિકારીએ કરેલા દાવાએ આખા દેશમાં ભુકંપ સર્જ્યોછે. પાકિસ્તાની સેનાના એક નિવૃત્ત જવાને પાકિસ્તાનની ફિલ્મી દુનિયા વિશે મોટો ખુલાસો કર્યો છે. આ પૂર્વ સૈન્ય અધિકારીએ નિવૃત્ત જનરલ બાજવા પાકિસ્તાની અભિનેત્રીઓ સાથે સંબંધ બનાવવા માંગતા હોવાનો સનસની ખુલાસો કર્યો છે.
પાકિસ્તાનના આ સેવા નિવૃત્ત અધિકારીએ નિવૃત્ત જનરલ બાજવાની સાથો સાથ પૂર્વ ISI ચીફ જનરલ ફૈઝને પણ લપેટામાં લીધા છે. હાલ લંડનમાં રહેતા ભૂતપૂર્વ સૈન્ય અધિકારી અને સોસાયટી ઑફ એક્સ-સર્વિસમેનના પ્રવક્તા મેજર નિવૃત્ત આદિલ રાજાએ આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન આર્મીના ઉચ્ચ અધિકારીઓએ અભિનેત્રીનો ઉપયોગ દેશના ટોચના નેતાઓને હની ટ્રેપ કરવા માટે કર્યો હતો.
આદિલ રાજાએ પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અને પૂર્વ ISI ચીફ જનરલ ફૈઝ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. ભૂતપૂર્વ સૈનિકના જણાવ્યા અનુસાર, બાજવા અને ફૈઝ અભિનેત્રીઓને ગુપ્તચર એજન્સીના હેડક્વાર્ટર અથવા સેફ હાઉસમાં બોલાવતા હતા અને તેમની સાથે શારીરિક સંબંધો બાંધતા હતા. જોકે, તેમણે ખુલ્લેઆમ કોઈ અભિનેત્રીનું નામ લીધું નથી. પરંતુ તેમણે નામનો પહેલો અક્ષર કહીને ચોક્કસ ઈશારો કરી દીધો છે.
નિવૃત્ત લશ્કરી અધિકારીએ યુટ્યુબ ચેનલ પર કર્યો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, સેવાનિવૃત્ત સૈન્ય અધિકારી મેજર આદિલ રાજા 'સોલ્જર સ્પીકસ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેના દ્વારા તેમણે ચેનલ પર વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ તેમની જરૂરિયાતો અનુસાર મોડલ અને અભિનેત્રીઓનો ઉપયોગ કરતા હતા. આ સાથે તેમને એવો પણ દાવો છે કે, સૈન્ય અધિકારીઓ અભિનેત્રીઓને ISI અને દેશના ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને હનીટ્રેપ કરવા મોકલે છે અને પછી તેનો વીડિયો બનાવે છે. ત્યાર બાદ મોડલ્સ અને અભિનેત્રીઓને પણ બ્લેકમેલ કરવામાં આવે છે. સાથે જ નેતાઓને પણ હની ટ્રેપમાં ફસાવવામાં આવતા હોવાનો તેમણે ખુલાસો કર્યો છે.
આ નિવેદન બાદ વિવાદોમાં ફસાયા આદિલ રાજા
આદિલ રાજાના આ ઘટસ્ફોટ બાદ પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. આદિલ રાજાના આ નિવેદન બાદ તેમની ચારેકોર તેમની ભારે ટીકા થઈ રહી છે. વિવાદોમાં ફસાયેલા નિવૃત્ત લશ્કરી અધિકારીએ પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, મેં જે નામનો ઉલ્લેખ કર્યો છે તે નામની ઘણી મોડલ અને અભિનેત્રીઓ પાકિસ્તાન સહિત આખી દુનિયામાં રહેલી છે.
બદનક્ષીનો દાવાની માંગ કરતા ચાહકો
પાકિસ્તાની અભિનેત્રી સજલ અલીએ આદિલ રાજાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ ખુબ જ દુઃખદ છે કે આપણો દેશ નૈતિક રીતે ભ્રષ્ટ અને કદરૂપો બની રહ્યો છ. ચારિત્ર્ય હનન એ માનવતા અને પાપનું સૌથી ખરાબ સ્વરૂપ છે. જ્યારે કુબ્રા ખાને આદિલ રાજાના દાવાની આકરી નિંદા કરી છે. આ સાથે ચાહકોએ અભિનેત્રીઓને માનહાનિનો કેસ દાખલ કરવાની સલાહ આપી છે.