Imran Khan Attacked on Qamar Javed Bajwa: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને રિટાયર્ડ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા પર આકરા પ્રહાર કર્યા છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે, ગયા વર્ષે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમને બંધારણીય પદ પરથી હટાવવામાં આવ્યા તે પહેલા પૂર્વ આર્મી ચીફ બાજવાએ તેમની છેલ્લી મીટિંગ દરમિયાન તેમને 'પ્લેબોય' કહ્યા હતા. ઈમરાન ખાને તેમના લાહોરના નિવાસસ્થાને મીડિયા સાથે વાતચીત કરતા કથિત રીતે પોતાના 'ઓડિયો લીકને' લઈને પણ વાત કરી હતી.


પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાને પોતાના કાર્યકાળ દરમિયાન જનરલ કમર જાવેદ બાજવાને એક્સટેન્શન આપવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. 


'પ્લેબોય' ટિપ્પણી પર બાજવાને વળતો જવાબ 


પૂર્વ આર્મી ચીફ બાજવા સાથેની મીટિંગનો ઉલ્લેખ કરતા ઈમરાન ખાને કહ્યું, "ઓગસ્ટ 2022માં જનરલ બાજવા સાથેની મીટિંગમાં તેમણે મને કહ્યું હતું કે, તેમની પાસે મારી પાર્ટીના લોકોના ઓડિયો અને વીડિયો છે. તેમણે મને એ પણ યાદ અપાવ્યું હતું કે હું 'પ્લેબોય' હતો. મેં તેમને કહ્યું હતું કે - હા, હું પ્લેબોય હતો. મેં ક્યારેય એવો દાવો નથી કર્યો કે હું દેવદૂત છું.


'બાજવાએ મારી પીઠમાં છરો માર્યો'


પાકિસ્તાનના પૂર્વ PMએ આરોપ લગાવતા કહ્યું હતું કે, ડર્ટી ઓડિયો અને વીડિયો દ્વારા આપણે આપણા યુવાનોને શું સંદેશ આપી રહ્યા છીએ. તેમણે આવા ઓડિયો રેકોર્ડ કરવા માટે આડકતરી રીતે સંબંધિત સંસ્થાને જવાબદાર ઠેરવી હતી. ખાને કહ્યું હતું કે, તેમને શંકા હતી કે બાજવાએ તેમને સત્તા પરથી હટાવવાનું મન બનાવી લીધું હતું. મને ખબર પડી કે શહેબાઝ શરીફને પીએમ બનાવવા માટે તેઓ ખૂબ જ સાવધાનીથી ડબલ ગેમ રમી રહ્યાં હતાં. બાજવાએ મારી પીઠમાં છરો ભોંક્યો હતો.


બાજવાને એક્સટેન્શન આપવું એ ભૂલ હતી : ઈમરાન


ઈમરાન ખાને કહ્યું હતું કે, જનરલ બાજવાને એક્સટેન્શન આપવું મારી મોટી ભૂલ હતી. એક્સટેન્શન મળ્યા બાદ બાજવાએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું હતું અને મારી સરકાર વિરુદ્ધ કાવતરું ઘડ્યું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઈમરાન ખાનની ત્રણ કથિત ઓડિયો ક્લિપ લીક થઈ હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે, આ ઓડિયો ક્લિપ્સ અસલી છે અને આવનાર દિવસોમાં ખાનની વધુ વીડિયો ક્લિપ્સ સામે આવી શકે છે.