Pakistan Infiltration: આજે ભારતીય સેના જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં એક્શન મૉડમાં આવી છે, આજે સવારે સેનાએ જમ્મુના અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના જવાનોએ ચાર ઘૂસણખોરોને આંતરરાષ્ટ્રીય સરહદથી વાયર તરફ આવતા જોયા, ત્યારબાદ તેઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં એક ઘૂસણખોર પણ માર્યો ગયો હતો, જેની લાશને આતંકીઓ ખેંચી જતા જોવા મળ્યા હતા.


પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘૂસણખોરોને પાકિસ્તાન તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું હતું. તે સમયે આ ઘૂસણખોરો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વળી, પાકિસ્તાની સેનાએ ભારતીય સૈનિકોનું ધ્યાન હટાવવા માટે તેની એક પૉસ્ટને આગ લગાવી દીધી હતી. જો કે, પાકિસ્તાનની આ ષડયંત્ર સફળ ના થઈ અને સૈનિકોએ તરત જ ઘૂસણખોરો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં એક ઘૂસણખોર માર્યો ગયો.


મોટા પ્રમાણમાં હથિયારો સાથે હતા ઘૂસણખોરો 
અધિકારીઓએ પણ ઘૂસણખોરીની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરતા સૈનિકોએ શનિવારે (23 ડિસેમ્બર) વહેલી સવારે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બૉર્ડરથી ભારે હથિયારોથી સજ્જ ચાર આતંકવાદીઓ આ તરફ આવતા જોવા મળ્યા હતા. ત્યારપછી જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા આતંકીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઘૂસણખોરી કરનારા એક આતંકીને ગોળી વાગી અને જમીન પર પડી જતાં તેનું મોત નીપજ્યું હતું.


અધિકારીઓનું કહેવું છે કે માર્યા ગયેલા આતંકવાદીના મૃતદેહને તેના સહયોગીઓ આંતરરાષ્ટ્રીય સરહદની બીજી તરફ ખેંચીને લઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે આ આતંકીઓ રાતના અંધારામાં સર્વેલન્સ ડિવાઇસ દ્વારા ઘૂસણખોરી કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારત ગુજરાતથી જમ્મુ સુધી પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચે છે. જો કે, જમ્મુથી આગળ વધતાની સાથે જ કાશ્મીરથી નિયંત્રણ રેખા (LOC) શરૂ થાય છે.


પુંછ એન્કાઉન્ટર વાળી જગ્યા પર મળી ત્રણ લાશો 
આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. હુમલાના સ્થળેથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. સેનાના વાહન પર થયેલા આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. જે લોકોના મૃતદેહો મળી આવ્યા હતા તે લોકોમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે જેમને પોલીસે પૂછપરછ માટે લઈ ગયા હતા.