લાહોર: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની ઉપાધ્યક્ષ મરિયમ નવાઝની ગુરૂવારે લાહોર પોલીસે ધરપકડ કરી છે. મરિયમની ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે તે લાહોરના કોટ લખપત જેલમાં બંધ પોતાના પિતા નવાઝ શરીફને મળવા જઇ રહી હતી. આ ધરપકડ ચૌધરી શુગર મિલ કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટીની સામે હાજર ન થવા હેઠળ કરવામાં આવી છે.


નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ જણાવ્યું, “અમે મરિયમ નવાઝને ચૌધરી શુગર મિલ્સ મામલે મની લોન્ડરિંગ તથા આવક કરતાં વધારે રૂપિયા રાખવાના આરોપમાં ધરપકડ કરી છે.”


ઉલ્લેખનીય છે કે મરિયમ નવાઝ વિરૂદ્ધ 21 જુલાઇના રોજ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ ફરી તપાસ શરૂ કરી હતી. પાકિસ્તાનના એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા અવેનફિલ્ડ ભ્રષ્ટાચારના મામલામાં ડુપ્લિકેટ ડીડનો ઉપયોગ કરવાના કેસમાં એમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ ઈસ્લામાબાદ જવાબદેહી કોર્ટ દ્વારા ઠુકરાવ્યા બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી.

નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ મેસર્સ ચૌધરી શુગર મિલ્સ લિમિટેડના સ્વામિત્વને લઇને મરિયમ નવાઝ, નવાઝ શરીફ, પાકિસ્તાન મુસ્લિમ લીગના અધ્યક્ષ શહબાઝ શરીફ, તેમના પિતરાઇ ભાઇ હમઝા શહબાઝ અને યૂસુફ અબ્બાઝ તથા અન્ય વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે.