પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફને (Shehbaz Sharif) ટ્વીટર પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા તે બદલ અભિનંદ પાઠવ્યા હતા. હવે શહબાઝ શરીફે તેમના આ અભિનંદ માટે ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ટ્વીટ કરીને કહ્યું કે, "અભિનંદ માટે પ્રધાનમંત્રી તમારો આભાર. પાકિસ્તાન ભારત સાથે પરસ્પર શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે. આ સંબંધમાં અમે જમ્મુ કાશ્મીર સહિત અન્ય વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ. આતંકવાદ સાથે લડવા માટે પાકિસ્તાને આપેલા બલિદાન જગજાહેર છે. અમે શાંતિ અને સહયોગથી અમારા લોકોના સામાજિક અને આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ."
PM મોદીએ આપ્યા હતા અભિનંદનઃ
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મિયાં મુહમ્મદ શહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન, ભારત ક્ષેત્રમાં આતંકવાદથી મુક્ત શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે જેથી આપણે આપણા વિકાસના પડકારો તરફ ધ્યાન કેન્દ્રીત કરી શકીએ અને આપણા લોકોની ભલાઈ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ.
ઉલ્લેખનીય છે કે, શહબાઝ શરીફે ગઈકાલે સોમવારની રાત્રે લગભગ 10 વાગ્યે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. આ પહેલાં શહબાઝ શરીફને પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા બાદ તરત જ શહબાઝે વિદેશનીતિને લઈને રણનીતિનો ખુલાસો કર્યો હતો. તેમણે નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે તેઓ ભારત સાથે સારા સંબંધ ઈચ્છે છે, પરંતુ કાશ્મીર મુદ્દે સમાધાન કર્યા વગર તેને હાંસલ નહી કરી શકાય.