POK News: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં લોકોએ પાકિસ્તાની અત્યાચારો સામે બળવો શરૂ કર્યો છે, ત્યારબાદ ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. મોટી સંખ્યામાં કાશ્મીરીઓ પાકિસ્તાનના અત્યાચાર સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાકિસ્તાની સુરક્ષા દળોએ વિરોધને કાબૂમાં લેવા માટે ભારે બળનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાની દળોએ લોકો પર ગોળીબાર કર્યો હોવાના અહેવાલો પણ મળ્યા છે.


ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પાકિસ્તાન દ્વારા લાદવામાં આવેલા કર અને વધતી કિંમતોના વિરોધમાં પીઓકેના લોકોએ શનિવારે 11 મેના રોજ વિશાળ વિરોધનું આયોજન કર્યું હતું, પરંતુ એક દિવસ પહેલા, વધારાના દળોને બોલાવવામાં આવ્યા હતા અને લોકોની અટકાયત કરવામાં આવી હતી જે બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.




અહેવાલો અનુસાર, પાકિસ્તાની દળોએ વિરોધ પ્રદર્શનને રોકવા માટે પીઓકેના મીરપુર જિલ્લામાં 70 થી વધુ કાર્યકરોની કોઈપણ વોરંટ અને માહિતી વિના ધરપકડ કરી હતી. આ પછી ગુસ્સે ભરાયેલી ભીડ રસ્તા પર ઉતરી આવી હતી. ધરપકડના વિરોધમાં, સામાન્ય લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો અને ઘણી જગ્યાએ અથડામણ થઈ. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.




વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે પાકિસ્તાન હિંસાનો આશરો લઈ રહ્યું છે. વહીવટીતંત્રે પાકિસ્તાન રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો સહિત વધારાના દળો તૈનાત કર્યા છે. પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટીએ લોંગ માર્ચની જાહેરાત કરી હતી, જેને રોકવા માટે 70 થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની દળોએ બાળકોને પણ છોડ્યા નથી. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જે શાળાની અંદર પડ્યા હતા. આમાં ઘણી છોકરીઓ ઘાયલ થવાના સમાચાર છે.




જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા કરારનું પાલન કરવા પાકિસ્તાન સરકાર પર દબાણ લાવવા શુક્રવારે સામાન્ય હડતાલ બોલાવી હતી. જેમાં ટ્રાન્સપોર્ટરોની હડતાળ પણ સામેલ હતી. સમિતિએ ઈસ્લામાબાદ સરકાર પર સમજૂતીઓ પૂરી ન કરવાનો આરોપ લગાવ્યો છે.