Pakistan clash live updates : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદે ગણાવી છે. સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને આવતી કાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રજુ કરવા આદેશ કર્યો છે. 


સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરતા ઈમરાન ખાનને તુરંત જ મુક્ત કરી દેવામાં આવ્યા હતાં. ઈમરાન ખાન વ્હિલ ચેર પર નજરે પડ્યાં હતાં. સુપ્રીમ ર્ટમાં રજુ થયા જ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાને પાકિસ્તાની સેના અને રેંજર્સ પર ગંભીર પ્રકારના આરોપ લગાવ્યા હતાં. 


થોડા કલાકો પહેલા જ કોર્ટે તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. ત્યારથી એવી શક્યતા હતી કે ઈમરાન ખાનને મુક્ત કરવામાં આવે. ઈમરાન ખાનને જોઈને ચીફ જસ્ટિસે કહ્યું કે તમને જોઈને આનંદ થયો. કોર્ટના રૂમ નંબર 1માં સુનાવણી ચાલતી હતી. આ સુનાવણીમાં પાકિસ્તાનના ચીફ જસ્ટિસ પણ હાજર હતાં. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પહેલા જ ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. જોકે, આખરી નિર્ણય લેવાનો બાકી છે.


ઈમરાન ખાનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે ઈમરાન ખાનને એક કલાકમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ પોલીસ ઈમરાનને લઈને કોર્ટ પહોંચી હતી. અગાઉ કોર્ટે કહ્યું હતું કે, ભવિષ્ય માટે દાખલો બેસાડવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનને જેલ નહીં બનવા દઈએ. તપાસ એજન્સી NAB એ દેશને ઘણું નુકશાન પહોંચાડ્યું છે.


ઈમરાન ખાને લગાવ્યા ગંભીર અરોપ


મુક્ત થયા બાદ ઈમરાને ગંભીર પ્રકારના આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. ઈમરાન ખાને ચીફ જસ્ટિસને કહ્યું હતું કે, મને હજુ પણ ખબર નથી કે મારી સાથે આવું કેમ થયું..? મારું કોર્ટરૂમમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. મેં વોરંટ માંગ્યું, પણ મને વોરંટ જ નહોતું બતાવવામાં આવ્યું. મારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. મને માર મારવામાં આવ્યો. અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી યોજાય. તો શા માટે હોબાળો કરવો જોઈએ?


તેમણે કહ્યું હતું કે, ક્યારેક તે મને પોલીસ લાઈનમાં લઈ જાય છે તો ક્યારેક બીજે ક્યાંક. મને સમજાતું નથી કે મારી સાથે શું કરવામાં આવી રહ્યું છે? એટલી હદે કે, મારી ભૂલ શું હતી તે મને કહેવાની તક પણ આપવામાં આવી ન હતી? કોર્ટમાંથી મારી ધરપકડ કરવામાં આવી હતી. મારી ધરપકડ કરવા માટે કમાન્ડો કાર્યવાહી કરવામાં આવી હતી. મારી ધરપકડ એવી રીતે કરવામાં આવી કે જાણે હું કોઈ મોટો આતંકવાદી હોઉં.


તેમણે વધુમાં કહ્યું કે, અમે માત્ર ઇચ્છતા હતા કે ચૂંટણી યોજાય અને લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટે. જ્યારે પણ અરાજકતા હોય ત્યારે મેં રેલીઓ રદ કરી. અમારી ચૂંટણી રેલીઓમાં પણ હેરાનગતિ કરવામાં આવી હતી. હું મારા સમર્થકોને કહું છું કે, કાયદો હાથમાં ન લે. તેના પર ચીફ જસ્ટિસે તેમને કહ્યું હતું કે, અહીં રાજકારણ વિશે વાત ન કરો.