Pakistan PM Shahbaz Shareef Video : પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આ દિવસોમાં ગંભીર સંકટનો સામનો કરી રહી છે. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ઈતિહાસના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે અને હાલત એ છે કે તેની પાસે માત્ર 3 અઠવાડિયા માટે આયાત કરવા માટે પૈસા બચ્યા છે. પાકિસ્તાન પર ડિફોલ્ટર દેશ જાહેર થવાનો ખતરો તોળાઈ રહ્યો છે, જે પહેલાથી જ દેવામાં ડૂબેલા છે. આ સ્થિતિમાં ડિફોલ્ડર થવાથી બચવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ લોન લેવા માટે ઘણા દેશોની મુલાકાત લઈ રહ્યા છે.


હવે શાહબાઝ શરીફનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે UAEના કિંગ મોહમ્મદ બિન જાયદ અલ-નાહયાન પાસેથી એક અબજ ડોલરની વધારાની લોન માટે રીતસરના આજીજી કરતા જોવા મળે છે. આ વીડિયો પાકિસ્તાની પીએમની તાજેતરની UAE મુલાકાતનો છે, જેમાં શાહબાઝ શરીફને સ્પષ્ટપણે કહેતા સાંભળી શકાય છે કે, તેમને પૈસા માંગવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.


પાકિસ્તાનના ઉત્તર વઝીરિસ્તાનના રહેવાસી મતીન ખાન નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે, જેમાં વડાપ્રધાન શાહબાઝ શરીફને એમ કહેતા સાંભળી શકાય છે કે, હું બે દિવસ પહેલા UAEથી આવ્યો છું. ત્યાં હું સદર (રાષ્ટ્ર પ્રમુખ) અને મારા ભાઈ મોહમ્મદ બિન ઝાયેદને મળ્યો હતો. તે અમારી સાથે ખૂબ પ્રેમથી વર્ત્યા. પહેલા મેં નક્કી કર્યું હતું કે, હું તેમની પાસેથી વધુ લોન નહીં માંગું, પરંતુ મેં છેલ્લી ક્ષણે નક્કી કર્યું અને તેમની પાસેથી વધુ લોન માંગવાની હિંમત એકઠી કરી. તો મેં તેમને કહ્યું હતું કે, તમે મોટા ભાઈ છો અને મને બહુ શરમ આવે છે, પણ અમારી મજબૂરી છે. તમે સૌકોઈ જાણો છો. તો અમને વધુ એક અબજ ડોલર આપો.




ઉલ્લેખનીય છે કે, આ વીડિયો 19 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો હતો અને હવે લાગે છે કે શેહબાઝ શરીફ દ્વારા આ રીતે ઝોળી ફેલાવાનો ફાયદો પાકિસ્તાનને મળ્યો. કારણ કે તે જ દિવસે સમાચાર આવ્યા કે અબુ ધાબી ફંડ ફોર ડેવલપમેન્ટ (ADFD)એ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) સાથે પોતાની 2 અબજ ડોલરની રકમ વધારી આપી હતી.


બીજી તરફ, જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિએ $2 બિલિયનની વર્તમાન લોનને આગળ વધારવા ઉપરાંત $1 બિલિયનની વધારાની લોનનું વચન આપ્યું છે. UAE તરફથી મળતી નાણાકીય સહાયથી પાકિસ્તાનને થોડી રાહત મળી છે, જે હજુ પણ વિનાશક રાષ્ટ્રવ્યાપી પૂરથી પીડિત છે, જેને કારણે $30 બિલિયનથી વધુનું નુકસાન થયું હોવાનું કહેવાય છે.