ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને એક પત્ર લખી કહ્યું કે કાશ્મીર મુદ્દા સહિત તમામ મતભેદ દૂર કરવા માટે તેમનો દેશ ભારત સાથે ચર્ચા કરવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરૂવારે ભારતે કહ્યું હતું કે બિશ્કેકમાં શંઘાઈ સહયોગ સંગઠન શિખર બેઠકમાં ઈમરાન ખાન અને પીએમ મોદી વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક નહી થાય.


ભારતના પ્રધાનમંત્રી પદ પર બીજા કાર્યકાળ માટે પીએમ મોદીને શુભેચ્છા આપતા ઈમરાન ખાને પત્રમાં કહ્યું કે બંને દેશના લોકોને ગરીબીથી મુક્ત કરવા માટે એકમાત્ર સમાધાન છે અને ક્ષેત્રીય વિકાસ માટે સાથે મળીને કામ કરવું જરૂરી છે. જિયો ટીવીએ પોતાના રિપોર્ટ્સમાં આ જાણકારી આપી. રિપોર્ટ્સ અનુસાર ખાને કહ્યું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દા સહિત તમામ સમસ્યાઓનું સમાધાન ઈચ્છે છે.

દિલ્હીના સુત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની પ્રધાનમંત્રીએ મોદીને એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમને ચૂંટણીમા મળેલી જીતની શુભેચ્છા આપવામાં આવી છે. એ સ્પષ્ટ નથી થયું કે પત્ર ક્યારે મળ્યો છે. મોદીના સત્તામાં આવ્યા બાદ આ બીજી વખત છે કે પાકિસ્તાની પ્રધાનમંત્રીએ બંને દેશોના લોકો માટે ભારત સાથે મળી કામ કરવાની આકાંક્ષા વ્યક્ત કરી છે.