Gun Fire In Parachinar : પાકિસ્તાનમાં ફરી એક ગોઝારી ઘટના સામે આવી છે. અહીં એક શાળામાં ગોળીબાર કરવામાં આવ્યો છે જેમાં 7 શિક્ષકોના મોત નિપજાવવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે હજી સુધી આ હત્યાકાંડની જવાબદારી કોઈ આતંકી સંગઠને સ્વિકારી નથી. 


પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આજે ગુરુવારે એક શાળામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સશસ્ત્ર હુમલાખોરોએ સ્ટાફ રૂમમાં ગોળીબાર કર્યો હતો. જેમાં સાત શિક્ષકોના મોત થયા હતા. આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના પરચિનારની શાળામાં બની હતી. કેટલાક હથિયારધારી માણસો શાળાના સ્ટાફ રૂમમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.






મળતી માહિતી મુજબ સ્ટાફ રૂમમાં હથિયારધારી શખ્સોએ ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિયા સમુદાયના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુન્ની આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. જે જગ્યાએ ગોળીબાર થયો તે અફઘાન સરહદને અડીને છે. ફાયરિંગ બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગભરાટનો માહોલ સર્જાયો છે. ત્યાંના લોકોએ આ ઘટનાની સખત નિંદા કરી છે.






પારાચિનાર દાયકાઓથી સૈન્યના નેતૃત્વમાં શિયા નરસંહારનું સ્થળ છે. હક્કાની નેટવર્કે પરચિનાર વિસ્તારમાં તબાહી મચાવી છે. અહીંના લોકોએ આ નેટવર્કથી ઘણી હિંસાનો સામનો કરવો પડ્યો છે.


પાકિસ્તાનમાં તાજેતરના મહિનાઓમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓ વધી છે. ગયા વર્ષે નવેમ્બરમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે સરકારનો યુદ્ધવિરામ સમાપ્ત થયો ત્યારથી આવી ઘટનાઓમાં વધારો થયો છે.


રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2023માં 2018 પછી સૌથી વધુ હુમલા થયા છે. આ હુમલાઓમાં 134 લોકોના મોત થયા હતા જ્યારે 254 લોકો ઘાયલ થયા હતા. તાજેતરમાં જ પાકિસ્તાનના લક્કી મારવત જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાનના ત્રણ સૈનિકો શહીદ થયા હતા.