Russia Ukraine War: દોઢ વર્ષથી ચાલી રહેલ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ વધુ ઉગ્ર થવાની આશંકા છે. રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ ક્રેમલિનનો એક વિડિયો ફૂટેજ જારી કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘર પર હુમલો કરવા માટે ગઈકાલે રાત્રે યુક્રેનથી બે ડ્રોન મોકલવામાં આવ્યા હતા, પરંતુ રશિયન સંરક્ષણ દળોએ તેમને ઠાર માર્યા હતા.


રશિયાના પ્રેસિડેન્શિયલ હાઉસ પર ડ્રોન હુમલાના સમાચાર વચ્ચે રશિયાએ યુક્રેનને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. રશિયન વડા પ્રધાને કહ્યું કે દુશ્મનને કિંમત ચૂકવવી પડશે. તે જ સમયે, રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન દિમિત્રી મેદવેદેવે કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને પાઠ ભણાવવો જોઈએ...તેમની હત્યા કરવી જોઈએ.


મોસ્કોના રહેવાસીઓએ ક્રેમલિનની દિવાલો પાછળ સ્થાનિક સમયાનુસાર બપોરે 2:00 વાગ્યા પછી તરત જ વિસ્ફોટો સાંભળ્યા હતા. ત્યાર બાદ ક્રેમલિન પર આકાશમાં ધુમાડો વધતો જોવા મળ્યો હતો. સ્થાનિક ટેલિગ્રામ ચેનલે સ્થાનિક રહેવાસીઓના રેકોર્ડ કરેલા વીડિયો ફૂટેજ પણ શેર કર્યા છે. જોકે, આ હુમલામાં યુક્રેનની સંડોવણીની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.



નોંધનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, ડ્રોન હુમલા સમયે રાષ્ટ્રપતિ પુતિન ક્રેમલિનમાં હાજર ન હતા. જોકે આ હુમલા દરમિયાન પુતિન ક્યાં હતા તેને લઈને  પેસ્કોવે કોઈ જ જાણકારી આપી નહોતી. ક્રેમલિને કહ્યું છે કે, આ ડ્રોન હુમલાથી પુતિનના કામ પર કોઈ અસર થઈ નથી. તેમણે પૂર્વ નિર્ધારિત સમય અને યોજના મુજબ પોતાનું કામ યથાવત રાખ્યું હતું. આ ડ્રોન હુમલાનો પ્રયાસ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યો હતો.



ઝેલેન્સ્કી અને તેની ગેંગનો નાશ કરશે: મેદવેદેવ


મેદવેદેવે કહ્યું, "યુક્રેન દ્વારા ક્રેમલિન પર રાત્રે જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેને અંજામ આપનાર ઝેલેન્સ્કી અને તેની ટોળકીને ખતમ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી." આકરા જવાબની હાકલ કરતાં તેણે હુમલાની ચેતવણી આપી છે.


રાષ્ટ્રપતિ પુતિન બંકરમાંથી કામ પાર પાડશે


રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, વ્લાદિમીર પુતિન આજે તેમના નોવો-ઓગેરેવો નિવાસની અંદર બનેલા બંકરમાંથી કામ કરશે. વાસ્તવમાં, બુધવાર (3 મે) રાત્રે બનેલી ઘટના બાદ રશિયા અને યુક્રેનમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રશિયન સરકારે આ હુમલાને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે.